ગુજરાતમાં વરસાદે કેર વર્તાવી દીધો.
ગુજરાતમાં સાતમ-આઠમનાં પર્વે શરૂ થયેલી મેઘમહેર ધીરે ધીરે કહેરમાં ફેરવાઈ ગઈ. સળંગ પાંચ દિવસ પડેલા અનરાધાર વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થઈ ગયું. વડોદરા સૌથી વધારે અસરગ્રસ્ત થયું કે જ્યાં લગભગ આખું શહેર જ પાણીમાં ડૂબી ગયું. વડોદરામાં ત્રણ દિવસ સુધી ભરાયેલાં પાણીના કારણે જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ ગઈ. ચારે તરફ પાણી જ પાણી હતું ને લોકો પાસે પીવાનું જ પાણી નહોતું એવી હાલત થઈ ગઇ.
જો કે બીજે બધે પણ સ્થિતી સારી નથી જ. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતનાં શહેરોમાં પડેલા ભારે વરસાદે લોકોની હાલત બગાડી નાંખી. જન્માષ્ટમીએ આખા સૌરાષ્ટ્રમાં અનરાધાર ૫ થી ૨૦ ઇંચ સુધીનો વરસાદ ખાબકતાં જળ પ્રલયની સ્થિતી થઈ ગઈ. રાજકોટમાં ૩ દિવસમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર થઇ ગયું અને આર્મીની મદદ લેવી પડી.
દ્વારકા, જામ ખંભાળિયા, ગોંડલ અને પોરબંદર જેવાં શહેરોમાં વરસેલા કલ્પના બહારના વરસાદે લોકોની દશા બગાડી દીધી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસમાં ૩૬ ઈંચ વરસાદ વરસી ગયા પછી એક દિવસ વરસાદે પોરો ખાધો ને એ પછી દ્વારકામાં વધુ સાત ઈંચ વરસાદ વરસ્યો તેમાં તો પાણી જ પાણી થઈ ગયું. આ ભારે વરસાદના કારણે લોકોના તહેવારો તો બગડ્યા જ પણ જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં ડેમ ઓવરફ્લો થઈ જતાં નદીઓમાં પૂર આવી ગયાં. કચ્છ પ્રમાણમાં ઓછા વરસાદવાળો પ્રદેશ ગણાય છે પણ આ વખતે કચ્છમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો.
ગુજરાતમાં વરસેલા અનહદ વરસાદે એક તરફ કુદરતની અનિશ્ચિતતાનો લોકોને પરચો આપ્યો તો બીજી તરફ આપણે જે વિકાસ માટે ગર્વ અનુભવીએ છીએ, જે વિકાસ જોઈને હરખાઈએ છીએ એ વિકાસની પોલ પણ ખોલી નાંખી. વિઝન વિનાના શાસકો અને આવડત વિનાના અધિકારીઓના ભરોસે ગુજરાત ચાલે છે તેનો ફરી એક વાર પરચો મળી ગયો કેમ કે ગુજરાતમાં દર વરસે આ પ્રકારની સ્થિતી મોટા ભાગના વિસ્તારોમાં સર્જાય છે.
ગુજરાતમાં વરસાદ પડે છે ત્યારે ધોધમાર પડે છે પણ તેનો સંગ્રહ કરવાનું નક્કર આયોજન નથી તેથી મોટા ભાગનું વરસાદી પાણી વેડફાઈ જાય છે.
ગુજરાતમાં ભારે વરસાદ વખતે લોકોની હાલત બગડે છે એ માટે બે મુખ્ય કારણો જવાબદાર છે.
પહેલું વિકાસના નામે થઈ રહેલું અણઘડ આયોજન.
બીજું વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ.
ગુજરાત દેશનાં સૌથી વિકસિત રાજ્યોમાં એક મનાય છે પણ આ વિકાસ કેવો છે એ ચોમાસામાં સાબિત થઈ જ જાય છે. ગુજરાતમાં વિકાસના નામે મોટા ભાગનાં શહેરોમાં મૂળ ભૂગોળને બદલી નાંખવામાં આવી છે. દુનિયામાં બધે જ નગર આયોજન એક જ પધ્ધતિથી થાય છે. ઉંચા ટેકરાવાળા વિસ્તારોમાં મહત્તમ બાંધકામો કરાય ને નીચેની તરફ આવતા જાઓ એટલે બાંધકામ ઓછાં થતાં જાય, જળાશયો, બગીચા, ખેતરો મનોરંજનનાં સ્થળો વગેરે હોય. મોટા પ્રમાણમાં ખાલી જગા હોય. વરસાદી પાણી આવવાનું છે એ સનાતન સત્ય છે. આ કારણે વરસાદી પાણીનો બે-ચાર કલાકમાં નિકાલ થઈ જાય ને ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય એ રીતે પહેલાં નગર આયોજનો થતાં.
આ નગર આયોજનની બહુ સરળ પધ્ધતિ છે પણ ગુજરાતમાં સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ બંનેને કાં આ વાતની ખબર નથી કાં સ્વાર્થમાં એટલા આંધળા છે કે તેમને કંઈ પડી નથી. આ કારણે તેમણે શહેરોને સપાટ ને કોન્ક્રીટનાં જંગલ બનાવી દીધાં. ખેતરો તોડી નાંખ્યાં ને જ્યાં જગા મળી ત્યાં બાંધકામોને મંજૂરી આપીને કન્સ્ટ્રક્શન કરાવી દીધાં. શહેરોની મૂળ ભૌગોલિક સ્થિતી હતી તેને બદલી નાંખી. વડોદરામાં જ પહેલાં શહેરની વચ્ચે પણ કોતરો હતી. આ કોતરો પૂરીને બાંધકામ કરી દીધાં તેમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન રહી તેથી પૂર આવી ગયું એવું કહેવાય છે.
આ સ્થિતી બધે જ છે.
શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેની જે કુદરતી વ્યવસ્થા હતી તે તોડીને વોલ ટુ વોલ બાંધકામ થઈ ગયાં છે. શહેરોમાં ચારે તરફ કોન્ક્રીટ જ કોન્ક્રીટ દેખાય છે. ખુલ્લી જમીન જ નથી કે જ્યાં પાણી ઉતરી શકે ને તેના કારણે પાણીનો નિકાલ કરી શકાય. પહેલાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં. હવે અમદાવાદ જેવા શહેરમાં તો ચારેતરફ ૪૦-૫૦ કિલોમીટર લગી ખેતરો જ નથી. ઉંચી બિલ્ડિંગો જ દેખાયા કરે છે.
આ સ્થિતીમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી ને લોકો તેની કિંમત ચૂકવે છે.
પહેલાં ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પણ નક્કર આયોજન હતું.
ગુજરાતમાં પહેલાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવતા, ખેતતલાવડીએ બનાવવામાં આવતી, ગામેગામ બે-ત્રણ તળાવો બનાવવામાં આવતાં. કૂવા રહેતા કે જે વરસાદી પાણીને પોતાનામાં સમાવી લેતા.
અત્યારે સરકાર દ્વારા આ પ્રકારનું નક્કર આયોજન થતું જ નથી. લોકો પોતાની રીતે મથીને પ્રયત્નો કરે છે તેના કારણે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ચેકડેમ બન્યા, લોકો ખેતરોની જમીનમાંથી થોડી જમીન કાઢીને ખેત તલાવડીઓ બનાવે છે. વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કૂવાઓમાં ઊતારવામાં આવે છે.
હાલમાં પ્રચલિત ઘોરીયા બનાવી પાકને પાણી આપવાની પધ્ધતિમાં પાણીનો વ્યાપક બગાડ થાય છે કેમ કે તેમાં માટી ઘણું પાણી પી જાય છે. ટપક સિંચાઈ પધ્ધતિ વડે પાક લેવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે તેમ છે એ વાત સમજીને ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ તરફ પણ વળ્યા છે.
ખેડૂત માટે તો પાણી જીવાદોરી છે તેથી ખેડૂતો તો બધું કરે પણ ખરેખર સરકારે મોટા પાયે આ બધું કરવું જોઈએ. ખેડૂતોને આ બધું કરવા માટે પ્રોત્સાહન મળે એ માટે આર્થિક સહાય કરવી જોઈએ. ચેકડેમ, ખેત તલાવડીઓ, કૂવા રિચાર્જિંગ માટે જંગી સબસિડી આપવી જોઈએ પણ એવું કશું થતું નથી.
આપણા શાસકો ગુજરાતની સરખામણી વિકસિત દેશો સાથે કરીને આપણને ચણાના ઝાડ પર ચડાવે છે. ફલાણા દેશની ઈકોનોમી ડાઉન છે ને આપણે ધમધોકાર પ્રગતિ કરી રહ્યા છીએ એવા દાવા કરીને આપણને એક કેફમાં રાખે છે પણ વિકસિત દેશોની સરખામણીમાં આપણે સાવ પછાત છીએ.
બીજા બધા મુદ્દે વાત કરીશું તો બહુ લાબું થઈ જશે પણ માત્ર વરસાદી પાણીના સંગ્રહની જ વાત કરી લઈએ.
દુનિયાના વિકસિત દેશો પાસે વરસાદના પાણીનો ૨૫૦ ટકા સુધી સંગ્રહ કરવાની ક્ષમતા છે. અમેરિકા, જાપાન, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિતના દેશો તેમને ત્યાં પડતા વરસાદના એક-એક ટીપાનો સંગ્રહ કરે છે ને તેનો ઉપયોગ પણ કરે છે. ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી ને તેથી પાણીની ખેંચ ઉભી ને ઉભી જ રહે છે. આપણે આજેય વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે વરસો પહેલાં બંધાયેલા બંધો પર જ નિર્ભર છીએ.
ભારતમાં ૫૦૦૦ જેટલા મોટા અને મધ્યમ કક્ષાના બંધ છે. આ તમામ બંધમાં નદીઓનાં પાણી આવે છે. વરસાદ પડે ત્યારે સીધું પાણી પડે એ તેમાં આવે છે પણ બીજે પડેલા વરસાદનો સંગ્રહ કરીને તેને આ બંધોમાં લાવવાની વ્યવસ્થા આપણી પાસે નથી. તેના કારણે વરસાદનું પાણી વેડફાઈ જાય છે ને ઉનાળો આવતાં આવતાં આપણા મોટા ભાગના ડેમ સૂકાભઠ્ઠ થઈ જાય છે. આ બહુ મોટી સમસ્યા છે પણ તેનો કોઈ ઉપાય નથી.
એક સામાન્ય સમજ છે કે, વરસાદનું પાણી યોગ્ય રીતે જમીનમાં ઉતરે તો જળનાં તળ ઉપર આવે અને આ પાણીનો ઉપયોગ ઉનાળામાં કરી શકાય.
કમનસીબે વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ કરવાના મુદ્દે આપણે સાવ ભોટ છીએ. તેના કારણે આપણે જળતરબોળ હોવા છતાં પાણીની અછતથી કાયમી રીતે પિડાતો દેશ બની ગયા છીએ.
ભારતમાં ચોમાસામાં પૂરતો વરસાદ પડે છે. આપણે ૧૪૦ કરોડથી વધુ હોવા છતાં આખા દેશને ખપ પૂરતો વરસાદ પડે જ છે. ભારતમાં વરસાદ દ્વારા દર વર્ષે ૨૫૩ અબજ ક્યૂબિક મીટર પાણી પ્રાપ્ત થાય છે પણ તેમાંથી માત્ર ૮ ટકા પાણીનો જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. બાકીનું ૯૨ ટકા પાણી વેડફાઈ જાય છે.
ગુજરાતમાં પણ આ જ હાલત છે તેથી સ્થિતી સુધરતી નથી.