ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.
નોંધનીય છે કે આ પહેલા બીટીપી નેતાઓ અને આપ નેતાઓ વચ્ચે અનેક વાર બેઠકો થઈ છે અને આજે આખરે પાર્ટીઓ દ્વારા એલાન
કરવામાં આવ્યું છે કે ગઠબંધન કરવામાં આવશે. આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભરૂચમાં મોટો કાર્યક્રમમાં પણ કરવા જઈ રહ્યા છે જેમાં આદિવાસી નેતા છોટુ વસાવા સામેલ થશે.
ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે છોટુ વસાવાએ ગરીબો અને આદિવાસીઓ માટે ગુજરાતમાં લડત આપી છે. ભૂતકાળની સરકારોએ હંમેશા આદિવાસીઓ સાથે અન્યાય કર્યો છે અને એટલે જ આમ આદમી પાર્ટીની છોટુ વસાવા સાથે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આગામી પહેલી તારીખે અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા સંમેલનમાં ગઠબંધનનું એલાન કરશે.
બીટીપી નેતા મહેશ વસાવાએ પણ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આજે પણ આદિવાસીઓ બે ટંકના રોટલા માટે પોતાનું ઘર છોડી જાય છે. સરકારે સ્કૂલો બંધ કરી આદિવાસી સમાજને નુકસાન કર્યું અને એવામાં અમે સામે પક્ષે આપનું કામ જાયું છે. ગુજરાત સ્થાપના દિવસે અમે નવા ગુજરાતનું મોડલ આપીશુ.