ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગેના મોટા અહેવાલ સામે આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનપુમ આનંદની અચાનક બદલી કરવામાં આવી છે. નવા ચૂંટણી અધિકારી તરીકે ૨૦૦૫ના આઇએએસ અધિકારી પી. ભારતીની નિમણૂંક કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ચૂંટણી થવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે ૧૪મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર ૨૦૨૨માં પૂર્ણ થાય છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની બદલીથી અનેક ચર્ચાઓ થવા લાગી છે. એક અનુમાન પ્રમાણે ગુજરાતમાં હવે ચૂંટણી વહેલી પણ આવી શકે છે. જે અંગેની જોહેરાત થોડા દિવસોમાં થઇ શકે છે. કલેક્ટર ઓફિસ પાસેથી સરકારી કર્મચારીઓની વિગત મંગવાઈ રહી છે. સરકારી કર્મચારીઓનું હાલનું સરનામું, વતનનું સરનામું વગેરે જેવી માહિતી ચૂંટણી પંચ મગાવી રહ્યું છે. ચૂંટણીમાં ફરજ બજોવતા કર્મચારીઓ બેલેટથી મતદાન કરે તે માટે આ વિગતો જરૂરી હોય છે. જેથી કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લા-શહેરોમાં કામ કરતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર પણ મંગાવવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
નોંધનીય છે કે, , પી. ભારતી ૨૦૦૫ની બેચના આઈએએસ અધિકારી છે. રાજ્યના પૂર્વ ચૂંટણી અધિકારી અનુપમ આનંદ મૂળ બિહાર પટણાના વતની છે. તેઓ ૨૦૦૦ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જોમનગર મ્યુનિસિપલ કમિશ્નર અને ડાંગમાં જિલ્લા કલેક્ટર વગેરે પદ પર રહી ચૂક્યા છે.
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાવવા લાગ્યુ છે અને અનેક સમીકરણો બદલાઇ રહ્યા છે. તમામ રાજકીય પક્ષો પણ સોગંઠા ગોઠવી રહ્યા છે. એટલું જ નહીં પક્ષ પલ્ટાની મોસમ પણ શરૂ થઈ છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.