૧૬મી માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જેના કારણે ગુજરાત સરકાર કોઈપણ નવા નિર્ણયો કે નવી પ્રજાહિતની જાહેરાતો કરી શકતી નથી. આમપણ ગુજરાતમાં ભાજપની સરકાર શાસનમાં હોવાથી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ભાજપની તરફેણમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા હતા. પરિણામ સ્વરૂપ ૧૬મી માર્ચથી રાજયમાં ૭મી મે રાજયની તમામ ૨૬ બેઠકો માટેની ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી ગાંધીનગર સ્થિત સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં મીની વેકેશન જેવું હતું.
કેટલાક અપવાદોને બાદ કરતાં કોઈપણ મંત્રીઓ તેમની ઓફિસમાં ઉપસ્થિત રહેતા ન હતાં.તો,સ્વાભાવિક રીતે જ સનદી સહિતના મોટાભાગના અધિકારીઓની ઓફિસોમાં પણ સૂનસામ વર્તાતું હતું. ચૂંટણી આચારસંહિતાનો અર્થએ હરગીજ નથી કે, મંત્રીઓ તેમની ઓફિસોમાં હાજર રહીને કોઈ સરકારી કામકાજ જ ન કરી શકે.
તેઓ ચોકકસ સરકારની નીતિ વિષયક બાબતો અને સરકારની ચાલુ યોજનાઓ કે પ્રજાહિત માટે આવશ્યક હોય તેવા તમામ કામો કરી જ શકે છે.પરંતુ આ ચૂંટણીમાં આખેઆખી સરકાર જ સ્વર્ણિમ સંકુલની ઓફિસોમાંથી ગાયબ રહી હતી. હવે, ચૂંટણીઓ પુરી થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં રહેલા સરકારના મંત્રીઓ પણ નવરા પડયાં છે એટલે તેઓ ૧૩મીના સોમવારથી તેમની ઓફિસોમાં પરત આવશે.અધિકારીઓ પણ તેમની ઓફિસોમાં દેખાદેશે અર્થાત સચિવાલય-સ્વર્ણિમ સંકુલ ફરી ધમધમતું થશે.લોકસભાની ચૂંટણીઓ આવી તે પહેલાં ગુજરાત સરકારનું આખેઆખું બજેટ વિધાનસભામાં પસાર થયું હતું.જેમાં જાહેર કરાયેલી નવી જુની યોજનાઓ પર હવે ભરપૂર અમલ થશે.જેમાં ખાસ કરીને રાજયમાં ખાલી થયેલા જલાશયો (ડેમ) અને આદિવાસી જિલ્લાઓ સહિતના છેવાડાના વિસ્તારોમાં ઉભી થયેલી પીવાના પાણીની અછતનો પ્રશ્ન પ્રાથમિકતાથી હાથ પર લેવાશે.