ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે. હવામાન વિભાગના અનુસાર, આગામી ૪૮ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધુ ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું અને શુષ્ક રહેવાની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાને ૪૧ ડિગ્રીની સીમા વટાવી લીધી છે. રાજકોટમાં સૌથી વધુ ૪૧.૭ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સહિતના અનેક શહેરોમાં પારો ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાન વધીને ૪૧ ડિગ્રી પાર જવાની શક્યતા છે.
હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે. ભુજ અને કંડલા પોર્ટમાં પણ તાપમાન ૪૦.૭ ડિગ્રી સુધી પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ ૧૪ અને ૧૬ એપ્રિલે જાવા મળી શકે છે. ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન બફારાને કારણે લોકોને અસ્વસ્થતા અનુભવવી પડી શકે છે. ભેજવાળી ગરમીને કારણે શરીરમાંથી પરસેવો વધુ નીકળવો અને થાક અનુભવવાની સંભાવના વધુ છે.