આગામી બે દિવસ દરમિયાન ગુજરાત માટે કેન્દ્રીય મંત્રીઓનો વ્યસ્ત કાર્યક્રમ તૈયાર થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ૧૭ અને ૧૮ મેએ ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ વિકાસાત્મક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ૧૭ મેના રોજ કચ્છ જિલ્લાના ભૂજ ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રરક્ષાની દ્રષ્ટિએ વિવિધ સુવિધાઓ અને કામગીરીની સમીક્ષા કરશે.
આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૭ મેના રોજ સાંજે અમદાવાદ પહોંચશે અને ૧૮ મેના રોજ ૨ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહનો આ પ્રવાસ તેઓના ગૃહ રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે વડનગર, ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તારોમાં મહત્વના કાર્યક્રમો યોજાવાના છે.
રાજ્યના અન્ય વિસ્તારમાં પણ કેન્દ્રીય મંત્રીનો પ્રવાસ નિર્ધારિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ૧૭ અને ૧૮ મેના રોજ તેમના સંસદીય ક્ષેત્રમાં જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ૧૭ મેના રોજ માંડવિયા જેતપુરના મેવાસા ગામ ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધશે. ત્યાર બાદ તેઓ જૂનાગઢ જિલ્લામાં યોજાનાર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ૧૭ મેના રોજ મનસુખ માંડવિયા કેશોદ ખાતે યોજાનાર તિરંગા યાત્રાની અધ્યક્ષતા કરશે અને બાલાગામ ખાતે ફરીથી સેવાસેતુ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે મળીને ગ્રાસરૂટ લેવલની ચર્ચા કરશે. ૧૮ મેના રોજ તેઓ તેમના સંસદીય વિસ્તારના નાગરિકોના પ્રશ્નો સાંભળશે અને તેમની સમસ્યાઓ માટે તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપશે. ગુજરાત માટે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમો ભાજપ માટે મહત્વ ધરાવે છે. એક તરફ વિકાસના કામોનું ઉદ્ઘાટન, તો બીજી તરફ લોકો સાથે સીધો સંપર્ક એમ બે ઉદ્દેશ સાથે કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ યોજાયા છે.






































