રાજ્યમાં છેલ્લા  ૨૪ કલાકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ૨૫ જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ (માવઠું) પડ્યો છે. ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૪ દિવસ સુધી રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે હવામાન વિભાગે જુદા જુદા વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આ સંદર્ભમાં રેડ એલર્ટઃ અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવ માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.ઓરેન્જ એલર્ટઃ જુનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી માટે મધ્યમ વરસાદ સાથે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે.યલો એલર્ટઃ પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં હળવા વરસાદ સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે સવારે ૭ વાગ્યે નાવ કાસ્ટ બુલેટિન પણ જાહેર કર્યું છે, જે મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે અને અહીં રેડ એલર્ટ યથાવત છે. ઉપર જણાવેલા ઓરેન્જ એલર્ટ ધરાવતા તમામ જિલ્લાઓ અને સંઘ પ્રદેશોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપર જણાવેલા યલો એલર્ટ ધરાવતા તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.કમોસમી વરસાદ અને દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી છે. તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં પરિસ્થિતિ  પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને હવામાન વિભાગની આગાહીઓ મુજબ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.