અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેને અનુલક્ષીને શહેરભરમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
અધિક પોલીસ કમિશ્નર, વિશેષ શાખાની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર શહેરમાં ચાઈનીઝ દોરીના દાખલ થયેલા ગુનાઓની માહિતીમાં પોલીસે કુલ ૮,૪૬,૬૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદમાં જપ્ત થયેલા જથ્થામાં કુલ ૨૧૪૫ ચાઈનીઝ દોરીના ટ્રેલર અને ૪૦ ફિરકીઓનો સમાવેશ થાય છે. નોંધાયેલા કેસોમાં, રામોલ પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ૨૦૪૦ ટ્રેલર જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત ૮,૧૬,૦૦૦ રૂપિયા છે. આ ઉપરાંત, સરખેજ પોલીસે ૮૦૦૦ રૂપિયાની કિંમતની ૪૦ ફિરકીઓ જપ્ત કરી છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ૯૦ ચાઈનીઝ દોરીના ટ્રેલર જપ્ત કર્યા છે જેની કિંમત ૧૮,૯૦૦ રૂપિયા છે તે જપ્ત કરવામાં આવ્યા છે. શહેરકોટડા પોલીસે ૩,૭૫૦ રૂપિયાના ૧૫ ટ્રેલર જપ્ત કર્યા છે. સાથે જ, એક ઓટો રિક્ષા પણ મુદ્દામાલ તરીકે પકડાઈ છે જેની કિંમત ૧,૭૦,૦૦૦ છે.આ તમામ ગુનાઓ મુખ્યત્વે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ તથા જી.પી. એક્ટ ની કલમ ૧૧૩, ૧૧૭, અને ૧૩૧ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
ચાઈનીઝ દોરીના જાખમો અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણ-૨૦૨૬ના સંદર્ભમાં વિવિધ જગ્યાએ જનજાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ સ્થળોએ, શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે અને જાહેર જનતા સાથે બેનરો અને પોસ્ટરો દ્વારા સંવાદ કરી તેમને ચાઈનીઝ દોરીથી થતાં નુકસાન અંગે જાગૃત કર્યા હતા, જેથી નાગરિકોને ચાઈનીઝ દોરીના ઉપયોગથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
આ કાર્યવાહી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કમિશ્નરએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, ઉત્તરાયણનો તહેવાર સલામત રીતે ઉજવવામાં આવે અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કે ઉપયોગ અંગે કોઈ પણ માહિતી હોય તો પોલીસને તેની જાણ કરવામાં આવે.








































