ગુજરાત રાજ્યના સામાજિક , શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગની અનામતમાં જાતિઓને મળતા લાભમાં અન્ય રાજ્ય કરતા ગુજરાત રાજ્યમાં અસમાનતા હોય કોળી, ઠાકોર અને અન્ય પછાત સમાજને પૂરતા પ્રમાણમાં લાભો મળતા ન હોય ખરેખર મળવા પાત્ર સમાજના લોકોને લાભ મળે તે માટે એક અલાયદી કમિટીની રચના કરવા માટે કોડીનાર તાલુકા કોળી સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવીને માંગણી કરવામાં આવી છે. કોડીનાર કોળી સમાજના પ્રમુખ અરસિભાઈ સોલંકીએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં ૧૪૬ જાતિમાંથી માત્ર પાંચથી દસ જાતિના લોકોને જ આનો લાભ મળે છે. ગુજરાતના પછાત સમાજના વિશાળ સમુદાયના હિતને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક પછાત વર્ગની અનામત નીતિમાં ફેરવિચારણા કરવામાં આવે અનામતનો લાભ માત્ર અમુક જ્ઞાતિ પૂરતો જ સીમિત ન રહી જાય અને દરેક પછાત વર્ગને તેનો અધિકાર અને હક મળે તે માટે અલાયદી કમિટીની રચના કરવામાં આવે અન્યથા ગુજરાતના કોળી ઠાકોર અને અન્ય સમાજના વિશાળ સંખ્યાના લોકો પોતાના હક અને અધિકાર માટે ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરશે.