કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરવાની સાથે ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગી ગઈ હતી. આદર્શ આચારસંહિતા લાગ્યા પછી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ આચારસંહિતા ભંગની કુલ ૮,૭૫૨ ફરિયાદ નોંધાઈ હતી. તેમાથી ૧૯૬ ફરિયાદોને પડતા મૂકવામાં આવી હતી.
તેમા સીવીજીએલ પર કુલ ૧,૪૭૯ ફરિયાદો ચૂંટણીપંચને મળી હતી. આ સિવાય ચૂંટણીપંચના કંટ્રોલ રૂમને કુલ ૭,૨૭૩ ફરિયાદ મળી હતી. ચૂંટણીપંચે કુલ ૮,૭૫૨ ફરિયાદમાંથી ૮,૪૨૪ ફરિયાદનો નિકાલ કર્યો હતો. આમ ફરિયાદોના ઉકેલની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે. હવે ડિજિટાઇઝેશન વધી રહ્યુ છે તે જોતાં આગામી સમયમાં સીવીજીએલ એપ પર મળતી ફરિયાદોની સંભાવનામાં પણ નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની ઘોષણા થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેને સી-વિજિલ એપ્લીકેશન દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ૭૯,૦૦૦ થી વધુ ફરિયાદો મળી છે. “૯૯ ટકાથી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને તેમાંથી લગભગ ૮૯ ટકા ફરિયાદો ૧૦૦ મિનિટની અંદર ઉકેલાઈ ગઈ છે. ઝડપ અને પારદર્શિતા એ સી-વિજિલ એપના પાયાના પથ્થરો છે,” મતદાન પેનલના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૫૮,૫૦૦થી વધુ ફરિયાદો, જે કુલ ફરિયાદોના ૭૩ ટકા જેટલી છે, ગેરકાયદે હો‹ડગ્સ અને બેનરો વિરુદ્ધ છે. તેવી જ રીતે, ૧,૪૦૦ થી વધુ ફરિયાદો પૈસા, ભેટો અને દારૂના વિતરણ અંગે હતી.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ૨,૪૦૦ થી વધુ ફરિયાદો, જે ફરિયાદોના લગભગ ત્રણ ટકા જેટલી છે, મિલકતના બદનામને લગતી હતી. તેવી જ રીતે, ૧,૦૦૦ ફરિયાદો અનુમતિ સમય કરતાં વધુ પ્રચાર માટે નોંધવામાં આવી હતી, જેમાં અનુમતિ સમય કરતાં વધુ સ્પીકર્સનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
“બંદૂકના પ્રદર્શન અને ધાકધમકી અંગે પ્રાપ્ત થયેલી ૫૩૫ ફરિયાદોમાંથી, ૫૨૯ નો ઉકેલ આવી ગયો છે,” મતદાન પેનલે જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકોને આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરવા અને મતદારોને કોઈપણ પ્રકારના પ્રલોભનોના વિતરણ માટે એપ્લીકેશનનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.