ગુજરાતમાં આગામી બે દિવસ માટે ૩૫ જીલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદે રીતસરની ધડબડાટી બોલાવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદે તેની લપેટમાં લઈ લીધા છે. તેની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગમાં તો જાણે ચોમાસુ બેસી ગયું હોય તે રીતનો વરસાદ પડી રહ્યો છે. વરસાદના લીધે વઘઈ ખાતે આકાશમાં મેઘધનુષ દેખાયું છે.
ગુજરાતમાં આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડશે. આ દરમિયાન પવનની તીવ્ર ગતિ જાવા મળવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જામનગર અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ વરસશે. કુલ ૩૫ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે.
ઉપરોક્ત તમામ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતને કમોસમી વરસાદ ધમરોળશે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. દમણ અને દાદરા વિસ્તારમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ૩૦ થી ૩૫ ટકા નુકસાન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં, કેરી મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં, તે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં ઉગાડવામાં આવે છે, જેમાં કચ્છની કેસર જાત સૌથી છેલ્લે લણણી પામે છે. રાજ્યના બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર, કેરીનું વાવેતર દક્ષિણ ગુજરાતમાં આશરે એક લાખ હેક્ટર અને સૌરાષ્ટ્રમાં આશરે ૪૨,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલું છે. ગયા વર્ષે, દક્ષિણ ગુજરાતમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન ૪ થી ૪.૨૫ ટન હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં તે થોડું વધારે હતું.