ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થયું છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડવાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થઈ ચૂક્યા છે. ૭ જૂનના રોજ ૪ અને રવિવારે ૫ લોકોના વીજળી પડવાને કારણે મોત થઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વીજળી પડવાની ઘટનાઓ અને તેનાથી થતી મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં તો આ સંખ્યા વધી રહી જ છે સાથે દેશભરમાં પણ આવી જ સ્થિતિ નજર આવી રહી છે. તેનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય કે, છેલ્લા ૫ વર્ષમાં વર્ષ ૨૦૧૬-૨૦૨૦ દરમિયાન દેશમાં વીજળીના કારણે ૧૪,૨૯૫ લોકોના જીવ ગયા છે. આ તથ્ય લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકાર તરફથી આપવામાં આવેલી જોણકારીમાં સામે આવ્યું છે. માત્ર વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો આ એક વર્ષમાં ૨,૮૬૨ લોકોના વીજળી પડવાના કારણે દેશમાં મૃત્યુ થયા છે. વર્ષ દીઢ મૃત્યુના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૬માં ૩,૩૧૫, ૨૦૧૭માં ૨,૮૮૫, ૨૦૧૮માં ૨,૩૫૭, ૨૦૧૯માં ૨,૮૭૬ અને ૨૦૨૦માં ૨,૮૬૨ લોકોના વીજળી પડવાના કારણે મૃત્યુ થયા છે.
૨૦૨૦માં બિહાર- ૪૩૬ લોકોના મોત
વિજળી પડવાથી થયા હતાં જયારે મધ્યપ્રદેશ- ૪૨૯,ઝારખંડ- ૩૩૬,ઉત્તરપ્રદેશ- ૩૦૪,ઓડિશા- ૨૭૫,છત્તીસગઢ- ૨૪૬,મહારાષ્ટ્ર- ૧૮૨,પશ્ચિમ બંગાળ- ૧૭૦, આંધ્રપ્રદેશ- ૯૩,ગુજરાત- ૭૮ના મોત થયા હતાં વર્ષ ૨૦૨૦માં વીજળીના કારણે થયેલા મૃત્યુના આંકડા પર નજર નાખીએ તો સૌથી વધારે ૪૩૬ મૃત્યુ બિહારમાં થયા હતા. ૪૨૯ લોકોના મૃત્યુ મધ્યપ્રદેશમાં અને ૩૩૬ના મોત ઝારખંડમાં થયા હતા. ઉત્તરપ્રદેશમાં ૩૦૪ લોકોના જીવ ગયા હતા. ગુજરાત આ લિસ્ટમાં ૭૮ મોત સાથે ૧૦માં સ્થાન પર છે.
ગુજરાતમાં દર વર્ષે વીજળી પડવાથી મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦ દરમિયાન ૫ વર્ષમાં ૨૩૮ લોકોના વીજળી પડવાના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૨૦૧૬માં ૨૯, ૨૦૧૭માં ૫૪, ૨૦૧૮માં ૧૩, ૨૦૧૯માં ૬૪, ૨૦૨૦માં ૭૮ લોકના વીજળી પડવાના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતમાં આ વર્ષે ૨૦૨૨માં અત્યાર સુધીમાં વીજળીએ ૯ લોકોના જીવ લીધા છે. ૭ જૂનના રોજ વીજળીના કારણે ૪ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૧૨ જૂન રવિવારના રોજ ૫ લોકોના મોત થયા છે.