ગુજરાતમાં જાહેર સ્થળો પર અનધિકૃત ધર્મસ્થાનોના બાંધકામના વિવાદના મામલાની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ગૃહ સચિવની એફિડેવિટ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યમાં જાહેર સ્થળોએ અનધિકૃત પૂજા સ્થાનોમાંથી માત્ર ૨૩.૩૩% બાંધકામો દૂર કરવામાં આવ્યા છે
કોર્ટે કહ્યું કે હજુ પણ જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં અનધિકૃત રીતે બાંધવામાં આવેલા ધાર્મિક સ્થળો છે. કોર્ટે એમ પણ કહ્યું કે નીતિગત નિર્ણય લીધા પછી પણ સરકારે કોઈ નક્કર પગલાં લીધાં નથી. વાસ્તવમાં, સરકારે નિર્ણય લીધો છે કે જા રાજ્યમાં જાહેર સ્થળોએ બાંધવામાં આવેલા અનધિકૃત બાંધકામોને સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે, તો સરકાર માલિકી હક્કોની પુષ્ટિ કરશે અને નોટિસ આપીને આવા અનધિકૃત બાંધકામોને દૂર કરશે. રાજ્ય સરકારે કોર્ટમાં કરેલી એફિડેવિટમાં રજૂ કરેલી વિગતો મુજબ રાજ્યમાં ૧૩,૯૦૦થી વધુ અનધિકૃત ધાર્મિક સ્થળો અસ્તીત્વમાં છે.
હાઈકોર્ટે ગૃહ સચિવને જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ધાર્મિક સ્થળોનો સંપૂર્ણ રિપોર્ટ ૨૭ ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર તમામ રાજ્ય સરકારોએ જાહેર સ્થળો પરના અનધિકૃત બાંધકામોને દૂર કરવા માટે પગલાં ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.