રાજકોટ અગ્રિકાંડ બાદ આખા રાજ્યમાં ચેકિંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ચેકિંગ દરમ્યાન ફાયર એનઓસી, બીયું પરમીશન ન ધરાવતા એકમો સીલ કરાયા છે. ત્યારે પ્રતિષ્ઠિત કાફેથી લઈને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારનાં અર્બન કાફે, ટી પોસ્ટ પણ સીલ કરાયું છે. ૩ દિવસમાં ૭૦૩ એકમોમાં ચેકિંગ કરાયું છે. જેમાંથી ૯૩ એકમો સીલ કરાયા છે. તેમજ ૧૫ એકમો પાસે ફાયર એનઓસી તેમજ બીયું પરમીશ પણ ન હતી.
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર પણ જાગ્યું છે. જેમાં ૭ દિવસમાં ૭૩૯ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. ૫૩૮ મિલકતો બીયુસી વિના, ૧૭૫ મિલકતો ફાયર એનઓસી વગર હતી. જ્યારે ૨૧૬ ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, ૧૩૧ હોસ્પિટલો, ૨૯ ગેમઝોન, ૨૭ સિનેમાગૃહ, ૭૧ રેસ્ટોરન્ડ, ૧૩૦ કોમર્શિયલ માર્કેટ, ૧૩૪ ટેમ્પરરી સ્ટ્રક્ટર જેવી મિલતોને સીલ કરાઈ હતી. તેમજ મોલ, રેસ્ટોરા, હોસ્પિટલ, શાળા, ક્લાસીસ બંધ કરી દેવાયા હતા.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ત્રીજા દિવસે ગાંધીનગરમાં એસઆઇટી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે. આજે એસઆઇટી કર્મચારી-અધિકારીઓની પૂછપરછ કરશે. રાજકોટ મનપા તથા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની પૂછપરછ થશે. રાજકોટ આઇપીએસ તથા આઇએએસ અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. છેલ્લા ૨ દિવસમાં ગાંધીનગરમાં ૧૦ લોકોની પૂછપરછ કરાઈ છે. તેમજ રાજકોટ મનપા, ફાયર, પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરાઈ છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે.