રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત વેરો અને વ્યવસાય વેરા પેટે કુલ રૂ. ૯,૭૨૬ કરોડની આવક થઈ છે. તેમા રાજ્યને જીએસટી પેટે રૂ. ૫,૮૩૮ કરોડ મળ્યા છે. વેટ હેઠળ રૂ. ૨,૯૭૪ કરોડની આવક થઈ છે. વિદ્યુત વેરા હેઠળ રૂ. ૮૯૨ કરોડની આવક થઈ છે. વ્યવસાય વેરા હેઠળ રાજ્યને રૂ. ૨૧ કરોડની આવક થઈ છે. આમ વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈના પ્રથમ ચાર માસમાં રાજ્યની આવક રૂ. ૩૯,૩૫૦ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૧૪ ટકા વધારે રૂ. રૂ. ૩૯,૩૫૦ કરોડ થઈ છે.
જુલાઈ ૨૦૨૩ની તુલનાએ આ વર્ષે જુલાઈમાં રાજ્ય સરકારને થયેલી વિવિધ વેરાકીય આવકમાં રૂ. ૩,૮૬૮ કરોડનો વધારો થયો છે. નાણાકીય વર્ષના ૨૦૨૩-૨૪ ગુજરાત સરકાર માટે ખૂબ જ સારું રહ્યું છે. જીએસટી, વેટ અને ઇલેકટ્રોનિક ચાર્જિસની આવકના લીધે રાજ્ય સરકારની તિજારી ભરાઈ ગઈ છે. રાજ્ય સરકારે જીએસટી, વેટ અને વિદ્યુત વેરા પેટે વિક્રમી આવક થઈ છે.
કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતા જીએસટી માસિક ડેટા કલેકશને મહિને બે લાખ કરોડની એવરેજ બનાવવા દોટ લગાવી છે. તેમા પણ આઇજીએસટી કલેકશન તો મહિને એક લાખ કરોડને વટાવી જાય તેવી સંભાવના છે. જુલાઈ ૨૦૨૪માં જીએસટી કલેક્શન (ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન) રૂ. ૧,૮૨,૦૭૫ કરોડ હતું જે જુલાઈ ૨૦૨૩માં રૂ. ૧,૬૫,૧૦૫ કરોડ હતું. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જુલાઈ ૨૦૨૪માં ૧૦.૩ ટકા વધુ જીએસટી વસૂલવામાં સફળતા મળી છે. જૂન ૨૦૨૪માં રૂ. ૧.૭૪ લાખ કરોડ જીએસટીની વસૂલાતમાં સફળતા મળી હતી. નાણા મંત્રાલય દ્વારા ૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ જીએસટી કલેક્શન ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. પરંતુ આ વખતે આ ડેટા જીએસટી કાઉન્સિલના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલ મહિનામાં ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું હતું, જે એક રેકોર્ડ છે.
જીએસટી કલેક્શનનો માસિક ડેટા જાહેર કરતાં જણાવવામાં આવ્યું હતું કે જુલાઈ ૨૦૨૪માં સીજીએસટી દ્વારા ૩૨,૩૮૬ કરોડ રૂપિયા, એસજીએસટી દ્વારા ૪૦,૨૮૯ કરોડ રૂપિયા,આઇજીએસટી દ્વારા રૂપિયા ૪૯,૪૩૭ કરોડ અને સેસ દ્વારા રૂપિયા ૧૧,૯૨૩ કરોડ પ્રાપ્ત થયા છે. એટલે કે કુલ સ્થાનિક આવક ૮.૯ ટકાના ઉછાળા સાથે રૂ. ૧.૩૪ લાખ કરોડ થઈ છે.