જુગાર રમવા માટે જુગારીઓ પણ હવે ઓનલાઈન થયા છે. એટલે કે પોતાની એપ્લીકેશન બનાવી સભ્ય નોંધણી બાદ જુગાર રમાડવામાં આવતો હતો. આ ગેંગના કુલ ૮ આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જોકે એપ્લીકેશન બનાવનાર અને તેનુ સંચાલન કરનાર બે આરોપીની સાયબર ક્રાઇમે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એપ્લીકેશનના માધ્યમથી ગંજીપાનો ઓનલાઈન જુગાર રમાડતા આઠ આરોપીઓની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ઉસ્માનગની મિયાણા તેનો પુત્ર સમસુદ્દીન મિયાણા, ઇમામુદ્દીન લગાણી, પ્રવીણ ચૌહાણ, મોઈન શેખ, સમીર અહેમદ અન્સારી, વિપુલ ચૌહાણ અને રવિ ઉર્ફે મહાદેવ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપી જેનેસીસ ગેમ એપ્લીકેશન વડે લાઈવ સ્ટ્રીમિંગ કરી ગંજીપાનાનો લાઇવ ઓનલાઈન જુગાર રમાડતા હતા.
મહત્વનું છે કે જુગારીઓએ જુગાર રમવા માટે સુરતના એક એપ્લીકેશન ડેવલપર પાસેથી બે અલગ અલગ એપ્લીકેશન પણ બનાવી હતી. જે એપ્લીકેશનથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો તેવુ સાયબર ક્રાઈમના એસીપી જેએમ યાદવે જણાવ્યું.
અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલી જ્યુપિટર મિલમાં સાઇબર ક્રાઇમ રેડ કરી બે મુખ્ય આરોપી ઉસ્માન ગની અને તેના પુત્ર સમસુદ્દીનની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમદાવાદના જુહાપુરા, દરીયાપુર, શાહપુર, વાડજ, શાહીબાગ જેવા વિસ્તારોમાં ઓનલાઇન જુગાર રમાડનારા જુગારીઓના ત્યાં પણ રેડ કરવામાં આવી. આ રેડમાં ૧૨ મોબાઇલ તથા ઓનલાઇન જુગાર રમવા માટે વપરાતા સાધનો કબજે કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી ઉસ્માન ગની, સમસુદ્દીન, મોઇન અને સમીર વિરુદ્ધ હત્યા, હથિયાર ધારા અને રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપીઓ વિરુદ્ધ મારામારી અને જુગારના સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં મુખ્ય આરોપી એવા ધ ગ્રેટ ગેમ્બલર ઉસ્માન ગની સામે જુગારના ૭૦ ગુના સહિત ૧૦૦ ગુના નોંધાઈ ચૂક્યાં છે.
સાયબર ક્રાઇમે જેનીસીસ ગેમના સર્વર મા તપાસ કરતા અંદાજિત ૨૦૦ કરતાં વધુ લોકો કાયમી જુગાર રમવા જોડાયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ઓનલાઇન જુગાર રમવા માટે એપ્લીકેશન બનાવનાર અને તેનું મેન્ટેનન્સ કરનાર બે આરોપી ફરાર છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત આરોપીએ એપ્લીકેશન બનાવવા માટે સુરતના બંને ફરાર આરોપીને અઢી લાખ રૂપિયા તથા એપ્લીકેશનના મેન્ટેનન્સ માટે દર મહિને ૫૦ હજાર રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના આ ધ ગ્રેટ ગેમ્બલર ઉસ્માન ગનીએ આ એપ્લીકેશન ૧ વર્ષ પહેલાં બનવાનું નક્કી કર્યું હતું. કારણ કે પોલીસની વારંવાર પડતી રેડ અને હપ્તખોરીથી કંટાળીને ઓનલાઈન જુગાર રમાડવાનું શરુ કર્યું હતું.