અમદાવાદ સહિત ગુજરાતમાં હોટલ/રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદા-જંતુઓ કે કોઈ અન્ય પદાર્થ નીકળવાની ઘણી ઘટનાઓ બની છે. આવી ઘટના બાદ તંત્ર દોડતું થાય છે અને કાર્યવાહી કરતું હોય છે. પરંતુ હવે અમદાવાદમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આઈસ્ક્રીમની એક મોટી બ્રાન્ડના કોનમાંથી ગરોળી નીકળી છે.
ગુજરાતભરમાં જાણીતી અને જેની આઈસ્ક્રીમ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે તેવી હેવમોર કંપનીના કોનમાંથી ગરોળી નીકળી છે. અમદાવાદના મણિનગરમાં એક ગ્રાહકે આઈસ્ક્રીમ કોન મંગાવ્યો હતો. મણિનગરમાં આવેલા આઉટલેટમાંથી આ કોન મંગાવ્યો હતો. પરંતુ જ્યારે કોન ખાવાનું શરૂ કર્યું તો ગ્રાહકના હોશ ઉડી ગયા હતા.
આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. જે આઉટલેટમાંથી કોન ખરીદ્યો હતો તેને સીલ કરવામાં આવ્યું છે. આ સાથે જે કંપનીના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી તેનું નામ હેવમોર છે. એએમસીએ નરોડા સ્થિત કંપનીની ફેક્ટરીમાં તપાસ શરૂ કરી છે.