ભારત-પાકિસ્તાનના તણાવ અંતર્ગત દરિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારોની તમામ બોટો તાત્કાલિક પાછી બોલાવવા આદેશ આપ્યો છે. ફિશરીઝ વિભાગને આ અંગેની સૂચના મળતા ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. દરિયાનો કોઈ દુરુપયોગ કરી આતંકી પ્રવૃત્તિ ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે બોટ પરત બોલાવવામાં આવી છે. જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહિત બંદરો પર તાત્કાલિક બોટો બોલાવવાનો કડક આદેશ આપ્યો છે. દરિયામાં જવા માટે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો ખેડવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના સરહદી વિસ્તારના દરિયામાં માછીમારી માટે જખૌ બંદરે સ્થાનિક ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, નવસારી સહિતના ગુજરાતના જિલ્લામાંથી માછીમારો આવે છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂરના પગલે કચ્છના ત્રણ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર જખૌ, લખપત અને નારાયણ સરોવરના દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે અન્ય જિલ્લાના માછીમારો વતન પણ પરત જઈ શકતા નથી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારી માટે જવા માછીમારોએ પોતાના મોબાઈલની એપ્લીકેશન મારફતે ઓનલાઈન ટોકન મેળવવી પડે છે. જે ગાંધીનગરથી જનરેટ થાય છે. આ ટોકન ન મળવાથી જો કોઈ માછીમારી બોટ નારાયણ સરોવર, જખૌ અને લખપત ઉતરાણ કેન્દ્રના દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાતા મત્સ્ય બંદરના દરિયાઈ વિસ્તારમાં જાય તો મરીન પોલીસ બોટ જપ્ત કરી લે તેમ હોવાથી બોટ બંદર પર લાંગરેલી પડી છે. હાલે ૭૦૦થી વધારે બોટ લાંગરેલી પડી છે.

તો બીજી બાજુ મત્સ્ય મંડળીઓ દ્વારા જિલ્લા કચેરી અને રાજ્ય કક્ષાએ ટોકન મળવાની રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, માછીમારી બંધ થઈ જતાં રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે.