ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને અટકળો વચ્ચે રાષ્ટ્રીય ચૂંટણી પંચે ગુજરાતનાં ૩૦ જેટલા ઉચ્ચ અધિકારીઓને દિલ્હીમાં અલગ અલગ ત્રણ દિવસ માટે ચૂંટણીલક્ષી કામગીરીની તાલિમ માટેનાં કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. ગુજરાતમાંથી નાયબ કલેકટર કક્ષાનાં અધિકારીઓ આ તાલિમમાં ભાગ લેવા જઈ રહયા છે. દિલ્હીમાં આ ઉચ્ચ અધિકારીઓને તા. ૮, ૧૧ અને ૧ર એપ્રિલ દરમિયાન તાલિમ આપવામાં આવશે.
ગુજરાતનાં અધિકારીઓને દિલ્હી તાલિમમાં જવા માટેની રાજય સરકારે પરવાનગી આપી દીધી છે. રાજકોટ ગ્રામ્યનાં એસડીએમ સહિત સૌરાષ્ટ્ર – કચ્છનાં નવ જેટલા અધિકારીઓ આ તાલિમ વર્ગમાં જાડાઈ રહયા છે. ચૂંટણી પંચનાં ત્રણ દિવસનાં કાર્યક્રમમાં અલગ અલગ દિવસ માટે ગુજરાતનાં દસ – દસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ખેડા, ભાવનગર, જૂનાગઢ સહિતનાં જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગુજરાતનાં મુખ્ય ચૂંટણી ઓફિસરની કચેરીએ આ અંગે સબંધિત જિલ્લા કલેકટરોને જાણ કરી છે.
દિલ્હીમાં ત્રણ તબકકે યોજાનાર તાલિમ કેમ્પમાં આદર્શ આચાર સંહિતા, પોસ્ટલ બેલેટ, ઈવીએમ, વીવીપેટ, મત ગણતરી, પરિણામો કેવી રીતે તૈયાર કરવા, મતદાન દરમિયાન વપરાતી સામગ્રી સહિતનાં વિષયો અંગે અધિકારીઓને તાલિમ આપવામાં આવશે. રાજકોટ સ્થિત એડિશનલ કલેકટર ( સિંચાઈ , સૌરાષ્ટ્ર – કચ્છ ) એન. આર.ધાધલનું નામ પણ તાલિમ માટેનાં અધિકારીઓની યાદીમાં સમાવેશ કરાયો છે પરંતુ તેઓ આ તાલિમ કેમ્પમાં જાડાયા નથી. જા કે તા. ૧૧ અને ૧ર એપ્રિલનાં કેમ્પમાં જવા અન્ય અધિકારીઓ દિલ્હી જઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યનાં એસડીએમ તાલિમ કેમ્પમાં ભાગ લેવા જશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી કરવાની અટકળો વચ્ચે ચૂંટણી પંચે અધિકારીઓની ચૂંટણીલક્ષી તાલિમ આપવાનું શરુ કરતા અટકળોને વેગ મળ્યો છે.