જમ્મુ કાશમીરમાં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર હુમલો કરી દીધો છે. બીજીતરફ ગુજરાતના ૧૮ જિલ્લામાં સાયરન વગાડીને મોકડ્રીલ શરૂ કરવામાં આવી હતી. જોકે આ મોકડ્રીલ અને સાયરન અંગે કેટલાક લોકો સાવચેત હતા અને તેમને પહેલેથી તેની જાણ હતી. જ્યારે કેટલાક લોકો તેનાથી અજાણ હતા. કેટલાક લોકોમાં અચાનક શરૂ થયેલી મોકડ્રીલથી અજાણ હોવાથી ડર જોવા મળ્યો હતો. જોકે બાદમાં તેમને મોકડ્રીલ હોવાની જાણ કરવામાં આવી હતી.
પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રીક્ટમાં આજે(૭ મે)ના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં પણ આજે મોકડ્રિલ યોજાઇ હતી. આ દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાઇ હતી. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાઇ હતી આજે ગુજરાત સહિત દેશભરમાં મોકડ્રિલ થઈ હતી.
મોકડ્રિલ દરમિયાન અમદાવાદમાં પેલેડિયમ મોલમાંથી રેસ્ક્યુ કરીને બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યા,અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ગ્રામ્યના ૬ સ્થળ ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેંક ફાર્મ, પાવરગ્રીડ પીરાણા, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ચાંગોદર, ગણેશપુરા કોઠ મંદિર, સાણંદ જીઆઈડીસી ટાટા પ્લાન્ટ ખાતે મોકડ્રિલ કરાઇ હતી.
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી. દુશ્મન દેશના એર હુમલાની ખબરથી લોકો ગભરાઈ ગયા છે. આ લોકોને નિર્ભય બનાવી આરટીઓ હોમગાર્ડ વિભાગના જવાનોની મદદથી સેફ હાઉસ સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરામાં મોકડ્રિલ મંજુસર જી.આઈ.ડી.સી અને મકરપુરા જી.આઈ.ડી.સીમાં સાંજના ૪ વાગ્યે અને ઈનઓર્બિટ મોલમાં સાંજે ૫.૩૦ વાગ્યે મોકડ્રિલ યોજાઇ હતી.