મુંબઈઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોંચ્યા હતા. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફો‹મગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે ત્યાં જઈને મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થના અંતિમ દર્શન કર્યા હતા અને ભાવાંજલિ આપી હતી.
ગુજરાત સરકારે રતન ટાટાના સમ્માનમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે.ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર શોક દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે અને સરકારનો કોઇ સાંસ્કૃતિક કે મનોરંજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે નહીં
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાત્રે ૧૧ વાગે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું હતું. તેમણે ૮૬ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
બીજી તરફ રતન ટાટાના નિધનના સમાચાર મળતા જ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ‘રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થીર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવાની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેઓ ઘણા લોકો માટે પ્રિય હતા.