અમદાવાદ જિલ્લામાં આવેલા લાંભા ગામે રહેતા વાલ્મિકી સમાજના એક યુવકે ૧૦ ડિસેમ્બરના રોજ તેમનાં વિધવા માતાની સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અહેવાલ પ્રમાણે, મૃતક દિલીપ સોલંકી તેમનાં વિધવા માતા સાથે રહેતાં હતાં અને છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ મામલે અસલાલી પોલીસે અકસ્માત મોત નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. તેમના પરિવારજનોએ તેમનો સામાન તપાસતા તેમાંથી એક ડાયરી મળી આવી હતી.આ ડાયરીમાં મૃતકે એક વ્યક્તિ અને તેનાં માતા દ્વારા જ્ઞાતિસૂચક શબ્દો સાથે કરાયેલી હેરાનગતિ અંગે વ્યથા ઠાલવી હતી.
તેમણે લખ્યું હતું કે આ લોકો મને અને મારાં માતાને ગાળો દેતાં હતાં. અમારી જ્ઞાતિ અને ધર્મને પણ જેમ ફાવે એમ બોલતા હતા અને હું કંઈ ના કરી શક્યો.તે આગળ લખે છે કે, જા હું દિલિપસિંહ દરબાર કે દિલીપ સોલંકી હોત તો મારે આ ન ભોગવવું પડતું.ડાયરી અંગે અસલાલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.