ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન થયું છે. પ્રખર રામાયણ કથાકાર પૂજ્ય મોરારીબાપુના પત્ની નર્મદા બાનું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદા બા સાથે થયા હતા.

નર્મદા બા અને મોરારીબાપુને ચાર સંતાન છે. તેમા ત્રણ દીકરી અને એક દીકરો છે. સવારે નવ વાગે તલગાજરડા મુકામે આવેલા નિવાસ્થાને તેમની સમાધી રાખવામાં આવી છે. તલગાજરડાના ગ્રામજનોએ આ દિવસે ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે.

મોરારીબાપુની કથાકાર તરીકે ફક્ત ગુજરાત અને ભારત જ નહીં વિશ્વભરમાં નામના છે. તેમણે આકાશ, પાતાળ અને પાણી ત્રણેયમાં રામકથા કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. આકાશમાં તેમણે પ્લેનમાં રામકથા કરી છે. તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે. આગામી દિવસોમાં તક મળે તો અવકાશ એટલે કે સ્પેસમાં પણ રામકથા કરવાનો ઇરાદો તે વ્યક્ત કરી ચૂક્્યા છે, જે ટેકનોલોજીના ઝડપી વિકાસના કારણે આગામી દિવસોમાં શક્ય બને તેમ લાગે છે.

મોરારીબાપુ રામકથાને તેમની આગવી રીતે અને આગવી શૈલીમાં કહેવા માટે જાણીતા છે. તેમની આ આગવી શૈલીઓ તેમને ખાસ્સી લોકચાહના અપાવી છે. તેઓ હિન્દી અને ગુજરાતી બંને અસ્ખલિત રીતે રામકથા જાતજાતના ઉદાહરણો ટાંકીને જણાવે છે. રામકથા સાથે તેમના દ્વારા ટાંકવામાં આવતા ઉદાહરણો એકદમ પ્રાસંગિક અને વર્તમાન જીવનશૈલી મુજબના હોય છે. તેના કારણે તેઓ રામકથા કરનારાઓમાં અલગ તરી આવે છે. તેમણે જણાવ્યું હતું કે મારી કથાકાર તરીકેની જીવનયાત્રા મારી પત્નીના સહકાર વગર શક્ય બની ન હોત. આજે કથાકાર તરીકેની મારી સફળતા પાછળ મારી પત્નીએ મને આપેલું જબરદસ્ત સમર્થન છે.