રાજ્ય સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટિના મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી ૧૦ મીટર જ દૂર છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટનો આજી-૧ ડેમ, ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલો ભાદર-૨ ડેમ અને ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.
આ તરફ રાજકોટના જસદણમાં આવેલો કરણુકી ડેમમાં પણ નવા નીર આવતા ડેમના ૧૧ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તો ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા દોઢ ફુટ સુધી ખોલાતા વેણુ નદીમાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ગોંડલમાં આવેલો મોતીસર ડેમ ઉભરાયો છે. જેથી પાટીયાળી, હડમતળાળા, કોલીથડ સહિતના ગામો એલર્ટ કરાયા છે.
આ તરફ ભાવનગરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સતત આવકને પગલે ૫૯ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડ્યું હોવાથી ૧૭ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો જૂનાગઢનો ઓઝત વિયર શાપુર ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમમાંથી હાલ ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ઘેડપંથકના ગામોને સતર્ક રહેવા જણાવાયું છે.
આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમમાં પાણીની સપાટીમાં ૧૮ કલાકમાં ૩૬ સેમીનો વધારો નોંધાયો છે. ડેમની પાણીની સપાટી હાલ ૧૨૮.૫૧ મીટર છે.. આ તરફ વલસાડનો મધુબન ડેમ પણ ઓવરફ્લો થવાથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમની જળસપાટી હાલ ૭૧.૨૫ ફૂટ પર પહોંચી છે. તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. કેલિયા ડેમ ૦.૦૫ મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ છલકાતા નિચાણવાળા ૨૩ ગામોને એલર્ટ કરાયા છે.