ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદ-વાવાઝોડાથી ૧૬૨ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે જ્યારે ૧.૪૯ લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. આ વર્ષે કુદરતી હોનારતમાં દેશના જે રાજ્યોમાં
સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. ભારે વરસાદ,વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ૨૦ ટીમ દ્વારા ૭૭ વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા અને પૂરમાં ફસાયેલી ૧૨ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ગત વર્ષે ગુજરાતમાં ભારે વરસાદથી ૧૯૦ વ્યક્તિના મૃત્યુ થયા હતા.તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં સરકારે માહિતી આપી હતી.
ગુજરાતમાં આ વર્ષે ચક્રવાત-ભારે-વરસાદ-પૂર-ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં ૯૯૨૨ ઢોર ઢાંખરના મૃત્યુ થયા છે. જ્યારે ૧ લાખ ૩૨ હજાર ૭૧૦ કાચા તેમજ પાકા મકાનને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે કુદરતી હોનારતમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૪૮૯, હિમાચલ પ્રદેશમાંથી ૨૯૮ વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત-ઉત્તર પ્રદેશ ૧૬૨ સાથે ત્રીજા સ્થાને છે. ૨૫ નવેમ્બર ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં કુલ ૧૫૦૩ વ્યક્તિના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક ? આવક રૂ. ૧૨૬૩૧ છે જેમાંથી ખેતી અને પશુપાલન માટે તેમને દર મહિને અંદાજિત રૂ. ૪૬૧૧નો ખર્ચ થાય છે. દેશમાં મેઘાલયમાં ખેડૂતોની સૌથી વધારે માસિક આવક રૂ. ૨૯૩૪૮ છે જેની સામે માસિક ખર્ચ રૂ. ૨૬૭૪ જ છે. પંજાબમાં રૂ. ૨૬૭૦૧ની આવક સામે ખર્ચ રૂ. ૧૪૩૯૫ છે. હરિયાણામાં પણ આવક રૂ. ૨૨૮૪૧ની સામે ખર્ચ રૂ. ૧૫૬૪૧ છે. ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં ૧૦મો નંબર છે. લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના ૨૦૧૯ના સર્વે પ્રમાણે માહિતી સરકાર આપી હતી. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. ૧૦૨૧૮ છે જ્યારે ખર્ચ રૂ. ૪૨૨૬ છે.
લોકસભામાં જ અન્ય એક પ્રશ્નના જવાબમાં માહિતી આપવામાં આવી હતી કે દેશમાં છેલ્લા ૩ વર્ષમાં કુલ ૧૭૨૯૯ ખેડૂતોએ આત્મહત્યા કહી હતી જેમાંથી ગુજરાતમાં ૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. સૌથી વધારે ૭૪૮૬ આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંઘાઇ હતી.