ગુજરાતના કચ્છમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના પછી લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર આવી ગયા હતા. અહેવાલ છે કે ભૂકંપ સવારે ૧૦.૨૪ વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તરપૂર્વ ૨૩ કિલોમીટર દૂર હતું. ઇસ્ટીટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ એ જણાવ્યું હતું કે બુધવારે સવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જિલ્લા પ્રશાસને કહ્યું કે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થવાના સમાચાર નથી.
ગયા મહિને, પ્રદેશમાં ૩ થી વધુની તીવ્રતાની ચાર ધરતીકંપની પ્રવૃત્તિઓ નોંધવામાં આવી હતી, જેમાં ત્રણ દિવસ પહેલા ૩.૨ તીવ્રતાનો ભૂકંપનો સમાવેશ થાય છે, જેનું કેન્દ્ર ભચાઉ નજીક પણ હતું.આઇએસઆર અનુસાર, ૨૩ ડિસેમ્બરે જિલ્લામાં ૩.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ૭ ડિસેમ્બરે ૩.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત વર્ષે ૧૮ નવેમ્બરે કચ્છમાં ૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અગાઉ ૧૫ નવેમ્બરના રોજ,આઇએસઆર ડેટા અનુસાર, ઉત્તર ગુજરાતના પાટણમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાત ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર, તેણે છેલ્લા ૨૦૦ વર્ષમાં નવ મોટા ભૂકંપનો સામનો કર્યો છે. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજા સૌથી મોટો અને બીજા સૌથી વિનાશક ધરતીકંપ હતો. ભૂકંપના કારણે જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓ તબાહ થઈ ગયા હતા. બધું ખતમ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં લગભગ ૧૩,૮૦૦ લોકો માર્યા ગયા અને ૧.૬૭ લાખ લોકો ઘાયલ થયા.