ગુજરાતનાં દરિયાકાંઠેથી એટીએસની ટીમે અંદાજે ૪૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાની બોટમાંથી મળી આવ્યુ હતુ. જેમા લગભગ ૭૭ કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો એટીએસએ ઝડપ્યો છે. આ બોટમાંથી એટીએસની ટીમે ૬ પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એટીએસની સંયુક્ત ટીમે અંજામ આપ્યો છે. આ અંગે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ટ્‌વીટ કરી જાણકારી આપવામાં આવી છે. જે પાકિસ્તાની બોટમાંથી આ ૭૭ કિલો ડ્રગ્સ ઝડપાયુ તેનું નામ ઓલ હુસૈન હોવાનુ પણ સામે આવ્યુ છે. એટીએસનાં હાથે હાલમાં ૬ પાકિસ્તાની આવ્યા છે પરંતુ તેમને શંકા છે કે આ મામલે વધુ લોકોની સંડોવણી હોઇ શકે છે.
આ પહેલા આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ રાજ્યમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો દેવભૂમિ દ્વારકામાંથી સામે આવ્યો હતો, જ્યા કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઇ માર્ગેથી આવતું ૬૬ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ. જે અંદાજે ૩૫૦ કરોડોની કિંમતનું ડ્રગ્સ હતુ. જેમા ૧૬ કિલો હેરોઇન હતુ. જ્યારે ૫૦ કિલો એમડી ડ્રગ્સ હતુ.
ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. થોડા દિવસો પહેલા જ મુંદ્રામાંથી ૩ હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતુ, તે પછી દ્વારકાનાં દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે જખૌ દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.