ગુકેશ દોમ્મારાજુએ ઈતિહાસ રચી દીધો.
ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ ગુરુવારે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા માટે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનને ૭.૫-૬.૫થી હરાવ્યો અને વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બની ગયો. આ પહેલાં આ રેકોર્ડ ગેરી કાસ્પારોવના નામે હતો. ૧૯૮૫માં રશિયાના ગેરી કાસ્પારોવે ૨૨ વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો. નોર્વેના મૅગનસ કાર્લસને પણ ૨૨ વર્ષની ઉંમરે આ ટુર્નામેન્ટ જીતી હતી. ગુકેશે ૧૭ વર્ષની ઉંમરે કેન્ડીડેટ્‌સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી અને આ સ્પર્ધા જીતનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં તેણે આ ઈતિહાસ દોહરાવ્યો છે. ૨૦૨૧માં ગુકેશે વર્લ્ડ ચેસ ક્લબ કપ જીત્યો હતો અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મૅગનસ કાર્લસનને પરાજય આપ્યો હતો.
ભારતના ગુકેશ દોમ્મારાજુએ માત્ર ૧૮ વર્ષની વયે ચેસની વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતીને ભારતને ખોવાયેલું ગૌરવ પણ પાછું અપાવ્યું છે. વિશ્વનાથન આનંદ ભારતના પહેલા વર્લ્ડ ચેસ ચેમ્પિયન હતા પણ ૨૦૧૩માં મૅગનસ સામે હારી જતાં આ ટાઈટલ જતું રહેલું. ગુકેશે આ ટાઈટલ ભારતને પાછું અપાવ્યું છે અને વિશ્વનાથન આનંદ પછી ભારત તરફથી ચેસ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનારા બીજા ભારતીય બન્યા છે. વિશ્વનાથન આનંદ ૨૦૧૨માં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા હતા.
ગુકેશે માટે ચેમ્પિયનશીપ રીયલ થ્રીલર હતી.
ગુકેશે ત્રીજી, ૧૧મી અને ૧૪મી ગેમ જીતી હતી જ્યારે લિરેને પ્રથમ અને ૧૨મી ગેમ જીતી હતી. બાકીની તમામ મેચ ડ્રો રહી હતી પણ આ દરમિયાન ભારે ચડાવઉતાર જોવા મળ્યા. ૨૦૨૪ની ફિડે વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ સિંગાપોર ખાતે ૨૫ નવેમ્બરથી શરૂ થઈ ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેન જીતવા માટે હોટ ફેવરીટ મનાતો હતો. આ ચૅમ્પિયનશિપના ૧૩૮ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલ દરમિયાન બે એશિયન ગુકેશ દોમ્મારાજુ (ભારત) અને ડિંગ લિરેન (ચીન) ટકરાઈ રહ્યા હતા તેથી આ ફાઈનલ ઐતિહાસિક હતી પણ ડિંગનું પલ્લુ ભારે હતું.
લિરેને પહેલી ગેમ જીતીને શાનદાર શરૂઆત કરી તેથી ડિંગની જીતની શક્યતા વધી ગયેલી પણ ગુકેશે ત્રીજી ગેમ જીતીને શાનદાર કમબેક કર્યું. એ પછી ડ્રોનો સિલસિલો ચાલ્યો પણ નવમી ગેમમાં ગુકેશે ડિંગને હરાવીને જોરદાર આંચકો આપી દીધેલો.
આ જીતના કારણે ગુકેશ ૧૧ ગેમ બાદ ૬-૫થી આગળ હતો. ૧૧માંથી ૮ ગેમ ડ્રો રહી હતી જ્યારે ગુકેશે ૨ અને લિરેને ૧ જીતી હતી તેથી ગુકેશનું પલ્લુ નમી ગયેલું પણ ડિંગ લિરેને કમબેક કરીને ૧૨મી ગેમ જીતીને સ્કોર ફરીથી સરખો કરી લીધો હતો. એ પછી ૧૩મી ગેમ પણ ડ્રો રહેતાં સ્કોર ૬.૫-૬.૫ની બરાબરી પર રહ્યો હતો.
ચૌદમી ગેમ શરૂ થઈ ત્યારે ફરી ડિંગ લિરેન હોટ ફેવરીટ હતો પણ તેણે કરેલી એક ભૂલે બાજી પલટી નાખી અને ગુકેશ જીતી ગયો.

ગુકેશની જીત ભારે સંઘર્ષ અને સપનાંની જીત છે.
ગુકેશનો જન્મ ૭ મે ૨૦૦૬ના રોજ ચેન્નઈમાં થયો હતો. ૭ વર્ષની ઉંમરે ભાસ્કર નગૈયાના હાથે કોચિંગ સાથે ચેસ રમવાની શરૂઆત કરનારા ગુકેશે પછી વિશ્વનાથન આનંદ પાસે કોચિંગ લીધું છે. નાગૈયા આંતરરાષ્ટ્રીય સ્તરની ચેસ ખેલાડી રહી ચુક્યા છે અને ચેન્નઈમાં હોમ ચેસ ટ્યુટર છે.
ગુકેશ આકસ્મિક રીતે જ ચેસ તરફ વળ્યા હતા. ગુકેશના પિતા ડો. રજનીકાન્ત ઈએનટી (કાન, નાક અને ગળું) સર્જન છે અને ખૂબ જ વ્યસ્ત રહેતા હોવાથી દીકરાને સમય આપી શકતા નહોતા. ગુકેશ તેમના પિતાની આતુરતાપૂર્વક રાહ જોતા અને થાકીને સૂઈ જતા.
ડો. રજનીકાન્તે દીકરો નિરાશ ના થાય એટલે તેને વ્યસ્ત રાખવા માટે શાળા પછીના કલાકો દરમિયાન ચેસના ક્લાસમાં મૂકી દીધો અને નાગૈયા પાસે કોચિંગ અપાવ્યું. કોચ નાગૈયાએ ટૂંક સમયમાં ગુકેશની પ્રતિભાને પારખી લીધી હતી અને માતા-પિતાને આગ્રહ કર્યો હતો કે તેમને ચેસની વિશેષ તાલીમ અપાવે. નાગૈયાએ જ ગુકેશની ભલામણ કરેલી તેથી માતા-પિતા તેમને વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ પાસે લઈ ગયા. વિશ્વનાથન આનંદે ગુકેશને ચેસ વિશે ઉંડાણપૂર્વક માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું.
ગુકેશને માતા-પિતા અને શાળા તરફથી પ્રોત્સાહન તથા વિશ્વનાથન આનંદ જેવા કોચ મળતાં સ્થાનિક ટુર્નામેન્ટો જીતવા લાગ્યા હતા. ગુકેશે ૨૦૧૫માં ગોવામાં ચેસની નૅશનલ સ્કૂલ ચૅમ્પિયનશિપ જીતી અને પછીના બે વર્ષ સુધી નેશનલ ચેમ્પિયન રહ્યા. ગુકેશે ૨૦૧૬માં કામનવૅલ્થ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. એ પછી સ્પેનમાં અંડર-૧૨ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ જીતી હતી. ૨૦૧૯માં માત્ર ૧૩ વર્ષની વયે ગુકેશ ગ્રાન્ડમાસ્ટર બની ગયા હતા. એ વખતે ગુકેશ ભારતના ‘સૌથી યુવા’ અને વિશ્વમાં ત્રીજા ક્રમાંકના યુવા ગ્રાન્ડમાસ્ટર હતા.
ગુકેશે આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી મોટી સ્પર્ધા ૨૦૨૦ની કેન્સ ઓપન જીતી હતી પણ ૨૦૨૧માં વર્લ્ડ ચેસ ક્લબ કપ જીતીને પોતાની નોંધ લેવડાવી કેમ કે ફાઈનલમાં તેમણે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મૅગનસ કાર્લસનને પરાજય આપ્યો હતો. એ પછી તો જીતનો સિલસિલો જ શરૂ થઈ ગયો અને નાર્વેજિયન ગ્રાન્ડ માસ્ટર્સ (૨૦૨૧), મેનોર્કા ઓપન (૨૦૨૨) અને નાર્વે ગૅમ્સ (૨૦૨૩) સહિતનાં ૧૦ ઓપન ટાઇટલ જીતી ચૂક્યા છે.
વર્લ્ડ ચેસ ચેમ્પિયન શરૂ થઈ એ પહેલાં આ બધા વિજયના કારણે તેની ધાક તો હતી જ પણ ડિંગનો રેકોર્ડ જબરદસ્ત હતો. ટુર્નામેન્ટ પહેલાં રૅન્કિંગની દૃષ્ટિએ ભારતમાં બીજા તથા વિશ્વમાં પાંચમા ક્રમે હતા તેથી ડિંગ હોટ ફેવરીટ હતા પણ ગુકેશે જોરદાર રમત બતાવીને ચેમ્પિયનશીપ જીતી બતાવી.

ગુકેશની જીત દૃઢ નિશ્ચયની જીત છે.
ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ૨૦૧૭ની એક ક્લિપ વાઇરલ થઈ છે કે જેમાં ગુકેશે કહ્યું હતું કે હું સૌથી નાની ઉંમરનો ચેસ વર્લ્ડ ચેમ્પિયન બનવા માગુ છું. એ વખતે કોઈને કલ્પના નહોતી કે ૧૦ વર્ષનો આ છોકરો ખરેખર આ પરાક્રમ કરી બતાવશે.
ગુકેશે આ પરાક્રમ કરી બતાવ્યું એ પાછળનું કારણ દૃઢ નિશ્ચય છે. ગુકેશે પોતે કહ્યું છે કે, ૨૦૧૩માં જ્યારે આનંદ સર અને મેગનસની ફાઈનલ ચાલી રહી હતી ત્યારે તેને ઓડિયન્સમાં પ્રવેશવાની પણ છૂટ નહોતી તેથી ટીવી પર મેચ જોયેલી. આનંદ હારી ગયા ત્યારે ગુકેશે નિશ્ચય કરેલો કે, એક દિવસ પોતે ભારતીય ધ્વજ સાથે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની ફાઈલની ખુરશી પર બેસશે અને ભારતને જીત અપાવશે.
આ સપનું ગુકેશે સાકાર કર્યું છે.
ગુકેશની સફળતામાં તેનાં માતા-પિતાનું પણ મોટું યોગદાન છે.
ગુકેશના પિતા વ્યવસાયે ડોક્ટર છે. ઈએનટી સર્જન એવા ડા. રજનીકાન્તે પોતાના દીકરાના રસને વિકસાવવા માટે પોતાની મેડિકલ કારકિર્દી છોડી દીધી. પિતા રજનીકાંત ક્રિકેટ ખેલાડી હતા. કોલેજના દિવસોમાં ક્રિકેટ રમતા પણ પરિવારના દબાણને કારણે તેમણે ક્રિકેટ છોડીને મેડિસિનનો અભ્યાસ શરૂ કર્યો. દીકરાને ચેસમાં રસ પડ્‌યો ત્યારે તેમણે પોતે જે ગુમાવેલું એ દીકરાએ ના ગુમાવવું પડે એટલે તમામ ભોગ આપવાનો નિર્ણય લીધો ને પ્રેક્ટિસ છોડી દીધી. ગુકેશનાં માતા પદ્માકુમારી મદ્રાસ મેડિકલ કાલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેમણે ઘર ચલાવવાની જવાબદારી ઉપાડીને પતિ અને દીકરાને પૂરો સાથ આપ્યો.
ડો. રજનીકાન્તની પ્રેક્ટિસ સારી ચાલતી પણ ગુકેશની વિદેશમાં થતી ટુર્નામેન્ટને કારણે દર્દીઓને સમય આપી શકતા ન હતા, તેથી તેમણે તેમનું ક્લિનિક બંધ કરી દીધું હતું. ડો. રજનીકાન્ત ૨૦૨૧માં ગુકેશને યુરોપ લઈ ગયા ત્યારે ભારત પાછા ફરવામાં લગભગ ૪ મહિના લાગ્યા હતા કેમ કે ગુકેશ યુરોપમાં ૧૪ ટુર્નામેન્ટ રમ્યો હતો. ક્લિનિક બંધ થવાને કારણે આવક મર્યાદિત થઈ ગઈ. ગુકેશની ટુર્નામેન્ટ અને પરિવારના ખર્ચનો બોજ માતા પદ્મા પર આવી ગયો. ગુકેશને સ્પોન્સર્સ પણ મળતા ન હતા. બીજી તરફ વિદેશમાં ટુર્નામેન્ટ રમવાનો ખર્ચ ઘણો વધારે હતો. આ કારણે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઘણી વખત લોન લેવી પડી હતી.
દરેક વાર સ્પર્ધામાં રોકાવાની સગવડ ના મળતી તેથી રેલ્વે સ્ટેશન પર કે એરપોર્ટ પર પણ સૂઈ જવું પડતું. ગુકેશ એક વર્ષમાં લગભગ ૨૫૦ ટુર્નામેન્ટ મેચ રમતો તેથી સતત ભાગવું પડતું. આ બધા સંઘર્ષનું ફળ તેમને અત્યારે મળ્યું છે. અત્યારે દીકરો વર્લ્ડ ચેમ્પિયન છે.