તમામ પુરાવા ધ્યાનમાં લેવાતા નવ આરોપી કસૂરવાર
અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના ગંંદરણ ગામે તા.૩૦/૧૧/ર૦૧૩ના રોજ ગામમાં રહેતા તથા વિ.હિ.પ તથા ભાજપના અગ્રણી કાઠી બંધુઓ ભરતભાઈ પવનભાઈ ખુમાણ તથા અજીતભાઈ પવનભાઈ ખુમાણ ગુંંદરણ ગામમાં સરકારી ગોડાઉન પાસે નવા ગોડાઉનનું બાંધકામ ચાલુ હતું ત્યાં ઉપરોકત બંને
મૃતક ભાઈઓ હાજર હતા. તે દરમ્યાન સાંજના આશરે ૪-૩૦ વાગ્યાના અરસામાં મામદભાઈ નુરમામદભાઈ દલ, ઈમરાનભાઈ મામદભાઈ દલ, ખાલીદભાઈ મામદભાઈ દલ, સલીમભાઈ અબ્દુલભાઈ દલ, હકીમભાઈ નુ્‌રમામદભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ, યુનુસભાઈ મનુભાઈ લાખાપોટા, સુમારભાઈ અબ્દુલભાઈ દલ, ઉસ્માનભાઈ નુરમામદભાઈ દલ, ઈસ્માઈલ ઉર્ફે મૃન્નો યુનુસભાઈ લાખાપોટા વિગેરેનાઓ ગુજરનાર ભરતભાઈ પવનભાઈ ખુમાણે અગાઉ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી, પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા બંદુક, તલવાર, ધારીયા, કુહાડી વિગેરે લઈ નવા ગોડાઉન પાસે આવેલા અને ગુજરનાર ભરતભાઈ તથા અજીતભાઈ પર જીવેલણ હુમલો કરતા આ હુમલામાં ભરતભાઈ તથા અજીતભાઈનું મૃત્યુ થયેલ અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ હત્યાને કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.
આ હત્યાનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં અને ત્યારબાદ સાવરકુંડલા ખાતે એડી. સેશન્સ કોર્ટની સ્થાપના થતાં આ કેસ સાવરકુંડલાની એડી. સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થયેલ અને બાકી રહેતો પુરાવો ત્યાં નોંધવામાં આવેલ. જેમાં મહત્વના પુરાવા તરીકે ફરિયાદી, નજરે જોનાર સાહેદ, પંચ સાહેદો, એફ.એસ.એલ. અધિકારી તથા પોલીસ ઓફિસરોની જુબાનીઓ લેવામાં આવી હતી. આમ, સમગ્ર પુરાવો પુરો થતાં સ્પે. પી.પી. તથા મૂળ ફરિયાદી તરફે એડવોકેટે દલીલો કરેલ અને જણાવેલ કે, હાલનો બનાવ ડબલ મર્ડરનો છે, ધોળા દિવસનો બનાવ છે, ફરિયાદી તથા નજરે જોનાર સાહેદો બનાવને સમર્થન આપે છે તથા આરોપીઓ પાસેથી જે હથિયારો રીકવરી અને ડીસ્કવરી કરવામાં આવેલ તેના મહત્વના પંચ સાહેદોએ પણ કેસને
સમર્થન આપેલ છે તથા જે મહત્વનો મુદ્દામાલ એફ.એસ.એલ. કચેરી ખાતે
પૃથ્થકરણમાં ગયેલ તેમાં પણ બનાવની હકીકતને સમર્થન મળે છે. તેમજ આ કામમાં તમામ આરોપીઓનો સમાન ઈરાદો બન્ને ગુજરનારની
મૃત્યુ નિપજાવવાનો હતો તે પુરાવાથી સાબિત થાય છે.
આમ, ઉપરોકત દલીલોને ધ્યાનમાં લઈ સાવરકુંડલાના એડી. સેશન્સ જજ ડી.એસ. વાસ્તવ દ્વારા આ બેવડી હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટે તકસીરવાન ઠેરવ્યા છે. આ કામમાં સરકાર વતી સ્પે.
પી.પી. અનિલભાઈ દેસાઈ તથા મૂળ ફરિયાદી વતી એડવોકેટ નિતેશ કથીરીયા રોકાયેલ હતા.