રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડી ગામે તાજેતરમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગોંડલમાં ગુંડાગર્દી હોવાના આક્ષેપો કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
એક વિશાળ જાહેર સભાને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “અમુક લોકોના શરીરમાં એવા જંતુઓ પેદા થઈ ગયા છે જેમને ગોંડલમાં માત્ર ગુંડાગર્દી જ દેખાય છે.” તેમણે આક્ષેપોને ફગાવતા ઉમેર્યું કે આ પ્રકારની વાતો કરનારાઓ જનસમર્થનને જાઈ શકતા નથી. જે રીતે જનતાનો પ્રેમ મળી રહ્યો છે, તે ગુંડાગર્દી નહીં પણ લોકોનો અતૂટ વિશ્વાસ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, બીમારીના કારણે જ અમુક લોકોને વિકાસને બદલે ગુંડાગર્દી દેખાઈ રહી છે.
ચરખડી જલારામ મંદિર પાસે યોજાયેલી આ સભામાં ખેડૂતોએ વોકળા વાળી ધાબી બનાવવા અંગે રજૂઆત કરી હતી. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે વર્ક ઓર્ડર અને ગ્રાન્ટ મંજૂર હોવા છતાં સરપંચ દ્વારા કામ અટકાવવામાં આવ્યું છે. આ સાંભળી જયરાજસિંહ જાડેજાએ મંચ પરથી જ મોટી જાહેરાત કરી હતી. તેમણે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની ભૂલ બદલ જનતાની માફી માંગી હતી.
ખેડૂતોને ખાતરી આપી કે આચારસંહિતા પૂર્ણ થતા જ અટકેલા તમામ કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. સભામાં ઉપસ્થિતપ્રફુલભાઈ ટોળીયાએ ચરખડી વિસ્તારમાં થયેલા ૧.૬૭ કરોડના વિકાસકામોનો વિગતવાર હિસાબ આપ્યો હતો. સાથે જ સરપંચોનેવ્યક્તિ હિત છોડીને જાહેર હિતમાં કામ કરવા માટે ટકોર કરી હતી.
આગામી સમયમાં ગોંડલ શહેર અને તાલુકાના દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ કનેક્શન પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગોંડલમાં રેકોર્ડબ્રેક ૩૪,૫૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને સુચારુ વ્યવસ્થા અંગે સભામાં ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું હતું. ભાજપના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં આ સભા એક પ્રકારે શક્તિ સમાન બની રહી હતી.









































