ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે આફતો સતત આવી રહી છે. પાછોતરા વરસાદે મગફળી, સોયાબીન સહિતના ચોમાસુ પાકને નુકસાન પહોંચાડ્યા બાદ હવે રવી સિઝનમાં DAP ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીર ગઢડા અને ઉના તાલુકામાં ઘઉં, ચણા અને શિયાળુ બાજરીના વાવેતર માટે અત્યંત જરૂરી એવા ડ્ઢછઁ ખાતરની ભારે અછત સર્જાઈ છે. વિસ્તારમાં સેવા સહકારી મંડળી, સહકારી સંઘ, નર્મદા અને સરદાર ખાતરના ડેપો હોવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ નથી. જ્યાં ખાતર મળે છે ત્યાં એક આધાર કાર્ડ દીઠ માત્ર ૧૦ થેલી જ આપવામાં આવે છે, જેમાં પણ કોડીનાર તાલુકાના ખેડૂતો આવીને લઈ જતાં સ્થાનિક ખેડૂતો વંચિત રહે છે. ચોમાસામાં થયેલ નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોને રવી સિઝનમાં આશા હતી, પરંતુ DAP ખાતરની અછતથી આ આશા ઠગારી નીવડી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજમાંથી પણ ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થશે ત્યારે પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.