શિક્ષક દિવસના શુભ અવસરે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ નવી સરકારી શાળાઓ કાર્યરત થઈ છે. વેરાવળ તાલુકાના મંડોર, ઉના તાલુકાના ભાચા અને સુત્રાપાડા તાલુકાના લાટી ગામમાં આ નવી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. સુત્રાપાડા તાલુકાના લાટી ગામમાં નવી સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે લાટી પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ ૯ના ૨૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. ધારાસભ્ય બારડે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને પુસ્તકો અને મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે અગ્રણી પ્રતાપભાઈ બારડ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય, લાટીના સરપંચ નારણભાઈ સોલંકી, ઉપસરપંચ વિજયભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.