ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂતો ખાનગી કંપનીના હલકી ગુણવત્તાવાળા ચોળીના બિયારણના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સારા પાકની આશાએ ખર્ચ કરી વાવેતર કરાયા બાદ ૮૦ દિવસ થવા છતાં ઉત્પાદન ન આવતા ખેડૂતો પાયમાલ થયા છે અને રોષે ભરાયા છે. ખાનગી એગ્રો માલિક દ્વારા યોગ્ય જવાબ ન મળતા, કૃષિ નિષ્ણાતોને રજૂઆત કરવામાં આવી હતી. કૃષિ વિભાગે ખેતરોની મુલાકાત લઈ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. ખેડૂતોની માંગ છે કે આવી લેભાગુ કંપનીઓને બિયારણના લાયસન્સ ન આપવા જોઈએ અને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ. ચોમાસું નજીક હોવાથી ખેડૂતો ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. ખેતીવાડી અધિકારીએ સર્વે બાદ ૯૦% પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવ્યું છે. ખેડૂતો હવે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કંપની સામે નુકસાની વળતરનો દાવો કરવાની તૈયારી કરી રહ્યા છે.