પવિત્ર શ્રાવણ માસના શ્રાવણ સુદ દશમના દિવસે વહેલી સવારે ગીર સોમનાથમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અષાઢી અમાસ (દિવાસા)થી શરૂ થયેલું દશામાનું વ્રત દસ દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં બહેનો દ્વારા માતાજીની પૂજા-અર્ચના, આરતી અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસ ભક્તિ અને ઉપાસના  બાદ, વહેલી સવારે ઢોલ-નગારા અને ડીજેના તાલે ભક્તો દશામાની પ્રતિમાઓને લઈને સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આ વિસર્જનમાં વેરાવળ સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો જોડાયા હતા. દશામાના વિસર્જન સાથે જ ભક્તોએ આગામી વર્ષે ફરી આવવા માટે માતાજીને પ્રાર્થના કરી હતી.