ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા ૫ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જશાધર ગામમા ખેતરમાં રમતી વખતે બાળકી પર હુમલો કરી ફાડી ખાધી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે.
ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડાનો સતત આતંક વધતો જઈ રહ્યો છે. ખુલ્લેઆમ ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયેલો રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના જશાધર ગામમાં ગઈકાલે ખેતરમાં રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાળકી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જીંદગી સામે ઝઝૂમતી બાળકી આખરે હારી ગઈ હતી. પરિવારમાં દીકરીના મોતને લઈ માતાપિતા અને પરિવારજનો આક્રંદ કરી રહ્યાં છે. બીજી બાજુ દીપડાના હુમલા કર્યાની ગણતરીના કલાકોમાં વન વિભાગના અધિકારીઓએ પાંજરે પૂર્યો હતો. દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
અવારનવાર દીપડાના હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, એવામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં આ દીપડાના આતંકની ઘટના છેલ્લા કેટલાક સમયથી વધી ગયી છે. થોડા મહિનાઓ અગાઉ ૮૦ વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો, આબાલવૃદ્ધ સૌ પર દીપડાના હુમલાથી લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે.