ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા ૫ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જશાધર ગામમાં ખેતરમાં રમતી વખતે બાળકી પર હુમલો કરી ફાડી ખાધી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડાનો સતત આતંક વધતો જઈ રહ્યો છે. ખુલ્લેઆમ ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાઈ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના જશાધાર ગામમાં ગઈકાલે ખેતરમાં રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાળકી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જીંદગી સામે ઝઝૂમતી બાળકી આખરે હારી ગઈ હતી. પરિવારમાં દીકરીના મોતને લઈ માતાપિતા અને પરિવારજનો આક્રંદ કરી રહ્યાં છે. બીજી બાજુ હુમલો કર્યાની ગણતરીના કલાકોમાં વન વિભાગના અધિકારીઓએ દીપડાને પાંજરે પૂર્યો હતો.