ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારના સીદી સમાજની અત્યંત ગરીબ પરિવારની પુત્રી, જુડો ખેલાડી શાહીન દરજાદાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અદ્‌ભુત પરાક્રમ દાખવીને ભારતનું નામ ગૌરવવંતુ બનાવ્યું છે. સોમનાથ સાયન્સ એકેડમી DLSS શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને હાલ સંસ્કારધામ સ્પોટ્‌ર્સ એકેડેમી અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરતી શાહીન દરજાદાએ જુડોની રમતમાં એક-બે નહીં પણ કુલ પાંચ આંતરરાષ્ટ્રીય મેડલ પ્રાપ્ત કર્યા છે. આ વર્ષે શાહીન દરજાદાએ જુડોમાં એશિયન જુનિયર ચેમ્પિયનશિપ, ૨૦૨૫, ઇન્ડોનેશિયા, મકાઉ જુનિયર એશિયન કપ, ૨૦૨૫, મકાઉ, જુનિયર એશિયન કપ, ૨૦૨૫, ચાઇના તાઇપેઇમાં ગોલ્ડ મેડલ જયારે તાશ્કંદ એશિયન કપ, ૨૦૨૫, ઉઝબેકિસ્તાન બ્રોન્ઝ મેડલ અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપ, ૨૦૨૩, ઉઝબેકિસ્તાનમાં સિલ્વર મેડલ આમ, શાહીને કુલ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત પાંચ આંતરરાષ્ટ્રીય મેડલ ભારતને અપાવીને દેશનો ડંકો વગાડ્‌યો છે.