મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરના પુલોના સમારકામ અને તપાસના નિર્દેશો અંતર્ગત, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સચિવ જેનુ દેવને જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પુલોની વર્તમાન સ્થિતિનો ચિતાર મેળવવા માટે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. સવારે તાલાલા, ચિત્રાવડ, વેરાવળ બંદર અને કાજલી હિરણ નદી પરના પુલોનું નિરીક્ષણ કર્યા બાદ, બપોર પછી પ્રભારી સચિવ જેનુ દેવને સૂત્રાપાડા-ઉના તાલુકાના પ્રાચી-ઘંટિયા, સીમાસી અને ઉના મચ્છુન્દ્રી નદી પરના પુલોની સ્થિતિની સમીક્ષા કરી હતી. પુલોની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન, પ્રભારી સચિવએ સંબંધિત વિભાગના અધિકારીઓને મહત્વના દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે જે માર્ગો અને પુલોના સમારકામનું કામ ચાલી રહ્યું હોય તેને સત્વરે પૂર્ણ કરવા, રોડ-રસ્તાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરીનું સતત મોનિટરીંગ કરવા અને નિયમિત સ્થળ નિરીક્ષણ કરવા જેવા સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ઉના પ્રાંત અધિકારી કે.આર. પરમાર, નાયબ કલેક્ટર એફ.જે. માકડા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર જે.આર. સિતાપરા સહિત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.