વેરાવળ તાલુકાના ડારી ગામે હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક અને રક્તરંજિત ઘટના સામે આવી છે. ૧૨ ડિસેમ્બરના રોજ સવારે દસેક વાગ્યે પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના બાદ આજે વહેલી સવારે હત્યારા પતિનો મૃતદેહ દરગાહમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ જવા પામી છે.ડારી ગામે પિયર રિસમણે રહેતી ૪૨ વર્ષીય ચંપાબેન વિનોદભાઈ ધોળીયા પર તેમના પતિ વિનોદ સોમા ધોળીયાએ અચાનક હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચંપાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પીલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક ચંપાબેનના કાકા હીરાભાઈ ચંડપાએ જણાવ્યું હતું કે, ચંપાબેન છેલ્લા પાંચેક મહિનાથી પિયર ડારી ગામે રહેતી હતી. દાંપત્ય જીવનમાં વર્ષોથી તણાવ અને કલહ ચાલતો હતો. પતિના ત્રાસથી કંટાળીને ચંપાબેનએ ભરણ-પોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. આ તમામ વિવાદ વચ્ચે અચાનક પતિ પિયર આવી આ ઘાતક પગલું ભરી ગયો.હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ વિનોદભાઈ ઘટનાસ્થળે પોતાની મોટરસાયકલ અને છરી મૂકી ફરાર થઈ ગયો હતો. હત્યા બાદ વિનોદનો મોબાઇલ બંધ હોવાથી પોલીસ માટે તેની શોધખોળ મોટો પડકાર બની હતી.દરમિયાન ઘટનાના બીજા દિવસે તા.૧૩ ડિસેમ્બરના વહેલી સવારે ડારી ગામના કબ્રસ્તાન નજીક આવેલી પાઇર પીરની દરગાહમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા ન્ઝ્રમ્ અને પ્રભાસ પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમ્યાન આ મૃતદેહ ગઈકાલે પત્નીની હત્યા કરી ફરાર થયેલા વિનોદ સોમા ધોળીયાનો હોવાનું બહાર આવ્યું હતું.પ્રાથમિક તપાસ મુજબ વિનોદે આપઘાત કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વેરાવળ સિવિલ હોસ્પીલ ખસેડ્યો છે.ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ જેવી ચિઠ્ઠી મળી હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે ચિઠ્ઠીની ખરાઈ, લખાણ અને હકીકત અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પત્નીની હત્યા બાદ અફસોસમાં આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે.પત્નીની હત્યા અને ત્યારબાદ પતિના આપઘાતથી દંપતિના બે પુત્રોએ માતા-પિતાની છત્રછાયા એકસાથે ગુમાવી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ડારી ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે અને ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.







































