ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે ગેરકાયદે સિંહ દર્શન કરવા નીકળેલા સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. શરૂઆતમાં વન વિભાગની ટીમ પહોંચતા આરોપીઓ એક મોપેડ અને નંબર પ્લેટ વગરની કાર સ્થળ પર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, વન વિભાગે કોમ્બીંગ ઓપરેશન હાથ ધરી તમામ ૭ આરોપીઓને ઝડપી પાડીને કુલ રૂ. ૪ લાખનો દંડ ફટકાર્યો છે.
વન વિભાગને મળેલી બાતમીના આધારે મંડોર ગામની સીમમાં પ્રતિબંધિત સમયે પ્રવાસીઓને રૂપિયા લઈને ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી. તેના આધારે સ્પેશિયલ ટીમે દરોડો પાડતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દરોડા દરમિયાન કબજે કરાયેલી કાર પર નિયમિત નંબર પ્લેટ નહોતી, પરંતુ આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું બોર્ડ લગાવેલું હતું. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
વેરાવળ આરએફઓ વાય. એસ. કલસરિયાએ જણાવ્યું હતું કે, “મંડોર ગામનો અલ્ફાઝ અનવરભાઈ મલેક સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ અલ્ફાઝ ગેરકાયદે સિંહ દર્શન કરાવતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અલ્ફાઝ અનવર મલેકે આરોપીઓને જન્મદિવસની પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. આરોપીઓએ અલ્ફાઝની વાડીમાં દારૂ અને ચિકનની પાર્ટી કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તમામ લોકો ગેરકાયદે સિંહ દર્શનના ઇરાદે નીકળ્યા હતા.”
માહિતી અનુસાર, તેઓ પહેલા ઉમરેઠી વિસ્તાર પહોંચ્યા, ત્યારબાદ કુકરાસ થઈ પાંડવા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગેરકાયદે રીતે સિંહ દર્શન કરવા માટે જંગલ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર મામલે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
ઝડપાયેલા આરોપીઓઃ અલ્ફાઝ અનવરભાઈ મલેક, રહેવાસી મંડોર, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ,સુલતાન ભીખાભાઈ બાલાગામીયા, રહેવાસી ભેરાળા, જિ. ગીર સોમનાથ,અંકિત કેસુરભાઈ નાઘેરા, રહેવાસી કુકરાશ, જિ. ગીર સોમનાથ,રામ મનદીપ ભાવેશભાઈ, રહેવાસી ઉમરેઠી, જિ. ગીર સોમનાથ,યશ દિલીપભાઈ ધ્રામણચોટીયા, ઘેલું નાથાભાઈ કુંભરવડિયા, રહેવાસી મોરબી, જિ. મોરબી,દશરથ સુરેશભાઈ ડાભી, રહેવાસી મોરબી, જિ. મોરબી
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગીરમાં ગેરકાયદે સિંહ દર્શનના વધતા બનાવો સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો સામાન્ય લોકો માટે જંગલના નિયમો કડક હોય, તો રાજકીય ઓળખાણ ધરાવતા લોકો સામે પણ સમાન કડકાઈથી કાર્યવાહી થવી જોઈએ. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષા માટે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.