ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે GRD (ગ્રામ રક્ષક દળ) જવાને પોતાની નાઈટ ડ્‌યુટી દરમિયાન મળી આવેલ રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ભરેલ પાકીટ તેના મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. આ ઘટનાએ પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે અને તેમની નિષ્ઠાવાન ફરજ પ્રત્યે સરાહના થઈ રહી છે. ગીરગઢડા પોલીસ અધિકારી પીઆઈ વાય.આર. ચૌહાણ અને પીએસઆઈ વી.એન. મોરવાડીયાના માર્ગદર્શન હેઠળ, GRD જવાન બાવામીયા કાદરી અને સાદીકભાઈ આરબ ગીરગઢડા પટેલ સમાજની વાડી પાસે નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. રાત્રિના ૧૦ઃ૩૦ થી વહેલી સવારે ૫ઃ૦૦ વાગ્યા સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતી વખતે, તેમની નજર રસ્તા પર પડેલા એક પાકીટ પર પડી હતી. પાકીટ ઉપાડીને જોતા તેમાં રોકડ રકમ અને કેટલાક કિંમતી દસ્તાવેજો હતા. ડ્‌યુટી પૂર્ણ થતાં જ,  બંને જવાને આ બાબતે ગીરગઢડા પોલીસ અધિકારીને જાણ કરી અને પાકીટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું. ત્યારબાદ, દસ્તાવેજોના આધારે પોલીસે પાકીટના મૂળ માલિક અક્ષયભાઈ જેરામભાઈ કાનાણી (રહે. ગીરગઢડા)નો સંપર્ક કરી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો સાથેનું પાકીટ પરત કર્યુ હતું.