ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ વિષય પર ખેડૂતો માટે એક માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કુલ ૧૬૦થી વધુ ખેડૂતોએ જળ સંરક્ષણના વિવિધ પગલા વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. સેમિનારમાં મુખ્ય વક્તા ડા. ધવલ વારગીયા અને આકાશ ભટ્ટે ખેડૂતોને જળ સંરક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં વરસાદી પાણીનો સંચય કરીને ભૂગર્ભ જળસ્તર વધારવા, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનો વ્યય અટકાવવો, ઓછા પાણીની ખેતી પદ્ધતિ અપનાવવી, અમૃત સરોવર જેવી યોજનાઓનો ઉપયોગ કરીને ગામસ્તરે પાણી સંચય કરવા જેવી બાબતોથી વાકેફ કરવામાં આવ્યાં હતાં.









































