ગીરગઢડાના કાણકિયા ગામમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ ચલાવતા બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો હતો. જિલ્લા એસઓજીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફના ઇબ્રાહિમશા બાનવા, પ્રતાપસિંહ ગોહિલ અને રણજીતસિંહ ગોહિલે મેડિકલ ઓફિસર ઉજ્જવલભાઈ પડશાળા સાથે કાણકિયા ગામમાં દરોડો પાડ્યો હતો. આરોપી રાજેશ બાબુ ચોહાણ (ઉંમર ૪૬, રહે. અર્જુન નગર, ઊના) પાસેથી જરૂરી દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યો હતો. સ્થળ પરથી એલોપેથિક દવાઓ, બીપી માપવાનું મશીન, છૂટક દવાઓ અને સિરપની બોટલો મળી આવી હતી. કુલ રૂપિયા ૬,૨૭૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.










































