ગીરગઢડા તાલુકાના છેવાડાના ભીયાળ ગામમાં સિંહનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોને નિયમિત રીતે સિંહ જોવા મળતા હોવાથી તેઓ ચિંતામાં મૂકાયા છે. ગુરૂવારે સવારના સમયે એક ગંભીર ઘટના બની હતી. ગામનો ગોવાળ ગાય લઈને જતો હતો ત્યારે સિંહે તેની હાજરીમાં જ ગાયનો શિકાર કર્યો. સિંહ શિકારને ઢસડીને થોડે દૂર લઈ ગયો. ત્યારબાદ તે ગામની સીમમાં આવેલી વાડીમાં ફરતો જોવામાં મળ્યો હતો. ગામના સરપંચ વાલજીભાઈના જણાવ્યા મુજબ, સિંહ લગભગ રોજ શિકારની શોધમાં ગામમાં ગાય-ભેંસનું મારણ કરે છે. ગ્રામજનો પોતાની વાડીએ જવામાં પણ ડર અનુભવે છે. કારણ કે સિંહનો ગમે ત્યારે રસ્તામાં સામનો થઈ શકે છે. વન વિભાગને આ સમસ્યાની જાણ કરવામાં આવી છે પરંતુ વિભાગનું કહેવું છે કે દીપડાના કિસ્સામાં પાંજરું મૂકી શકાય, સિંહ માટે આ શક્ય નથી. ગ્રામજનોની માગણી છે કે સિંહને જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે. વન વિભાગ પાસે આ વિસ્તારમાં કાયમી વનમિત્રો માટે પોઈન્ટ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.










































