ગીર ગઢડા તાલુકાના નીતલી ગામે ૧૭ સપ્ટેમ્બરના રોજ ખેડૂત રામજીભાઈ વલ્લભભાઈ શેલડીયા પોતાની વાડીમાં માંડવીનું કામ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે માથા અને પગના ભાગે ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર જગદીશભાઈએ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલ તથા તેમની ટીમે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને ટેક્નિકલ તપાસની મદદથી અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં શંકાસ્પદ શૈલેષભાઈ હરજીભાઈ પૂર્વે ગોબરભાઈ પાટડીયા, નીતલી વાળાને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. આરોપીએ પોતાની પત્ની ઉપર શંકા રાખતા ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કામગીરીમાં ગીર ગઢડા પોલીસ સ્ટાફ, એલ.સી.બી. ઇન્ચાર્જ એ.બી. સિંધવ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ એન.બી. વાઘેલા સહિતના અધિકારીઓનો મહવનો ફાળો રહ્યો હતો.








































