ગીરગઢડાના દ્રોણ ગામમાં એક હૃદયસ્પર્શી ઘટના બની, જ્યાં એક નાનું સિંહબાળ ૬૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું. આ સિંહબાળને સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓની મદદથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યું હતું. ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ ઠુંમરની વાડી નજીક બે સિંહણ અને તેમના ત્રણ બચ્ચાં રહે છે. તેમાંથી એક વર્ષથી નાની ઉંમરનું એક માદા સિંહબાળ રમતાં-રમતાં વાડીના ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. ઘનશ્યામભાઈને આની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પગલાં લીધાં હતા. તેમણે એક ખાટલાને દોરીથી બાંધીને કૂવામાં ઉતાર્યો, જેથી સિંહબાળ તેના પર બેસી શકે અને પાણીમાં ડૂબે નહીં. આ ઘટના બની ત્યારે બે સિંહણ અને બીજા બે સિંહબાળ પણ ત્યાં આસપાસ જ હતા. સરપંચ જોરુભાઈ મકવાણાને આ ઘટનાની જાણ થતાં તેમણે તરત જ જસાધાર વન વિભાગના આરએફઓ એલ.બી. ભરવાડને જાણ કરી હતી. વન વિભાગની બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. ટીમે ભારે જહેમત બાદ સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. સિંહબાળને પ્રાથમિક તપાસ માટે એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યું છે.