ગીરગઢડાનાં દ્રોણ ગામે આવેલ ખેડૂતોની જમીનનો કાયમી ચાલવાનો જાહેર રસ્તો માથાભારે શખ્સોએ બંધ કરી દેતાં આ વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતોને માલઢોર અને ખેતીના સાધનો, ચારો લઈ જવાં લાવવાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે ૨૦ દિવસ પહેલા ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો તાત્કાલિક ખોલાવવા માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરાતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. અંતે ૧૫ જેટલાં ખેડૂતો ઊના મામલતદાર કચેરી સામે અનશન પર ઉતરી જતાં તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું હતું.