ગીરગઢડા તાલુકાના જામવાળા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સાત મહાદેવ મંદિર નજીકની નદીમાં એક મહિલાનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ ઘટના આજે સવારે બની હતી. પોલીસ સૂત્રો મુજબ, મૃતક મહિલાની ઓળખ સ્નેહલબેન સંજયભાઈ કારીયા તરીકે થઈ છે, જે ઘાંટવડ ગામના રહેવાસી હતા. તેઓ તેમના પરિવાર સાથે સાત મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર્શન બાદ નદીકિનારે ફોટા પાડતી વખતે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ નદીમાં પડી ગયા.સ્નેહલબેનના પતિએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન થયા. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી, પરંતુ લગભગ એક કલાક પછી જ્યારે સ્નેહલબેનને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારે તેઓ મૃત અવસ્થામાં હતા. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને આર.એન. વાળા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્નેહલબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જે તેમના મૃત્યુનું કારણ બની હોય. ગીરગઢડા પોલીસે આ ઘટના અંગે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.