ગીરગઢડા તાલુકાના એભલવડ ગામમાં શિક્ષણ વ્યવસ્થાની દયનીય હાલત જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે બનેલી નવી શાળા છેલ્લા ૧૦ વર્ષથી  બંધ હાલતમાં છે, જેના કારણે બાળકોને જૂની, જર્જરિત શાળાના માત્ર ૫ ઓરડાઓમાં બે પાળીમાં અભ્યાસ કરવા મજબૂર થવું પડી રહ્યું છે. ગામમાં કુલ ત્રણ શાળાઓ છે, જેમાંથી એક અતિ જર્જરિત હોવાથી વર્ષોથી બંધ છે. બીજી શાળાના ૧૧ ઓરડાઓમાંથી ૬ ઓરડાઓ જોખમી હોવાથી બંધ કરી દેવાયા છે. પરિણામે, બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને માત્ર ૫ ઓરડાઓમાં ભણવું પડે છે. આ શાળામાં મધ્યાહન ભોજન માટે રસોડું પણ નથી, જેથી ગ્રામજનો પોતાના ઘરેથી ભોજન બનાવીને લાવે છે. આ ઉપરાંત, રમત-ગમત માટેનું મેદાન પણ ઉપલબ્ધ નથી. ગ્રામજનોની રજૂઆતો બાદ ૨૦૧૫માં ગામની બહારના ભાગે નવી શાળા બનાવવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને ટાઈલ્સ પણ ઉપસી ગઈ છે. આ કારણે નવી શાળા આજદિન સુધી કાર્યરત થઈ શકી નથી, જેનાથી વિદ્યાર્થીઓને સુવિધા મળી નથી. આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી પારસ હિરપરાએ જણાવ્યું હતું કે, “ગામના લોકો નવા રૂમોને સ્વીકારતા નથી. આ શાળા ડિમોલિશન માટે મૂકવામાં આવી નથી. તે ગામથી થોડી દૂર છે અને ત્યાં હિંસક પ્રાણીઓનો ત્રાસ છે. જો ગામ લોકો સહમતિ આપે તો જ શાળા શરૂ થઈ શકે છે.”