ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામમાં ગત રાત્રિએ વનરાજોએ ધામા નાખ્યા હતા. બે નર સિંહોની જોડીએ શિકારની શોધમાં ગામના મધ્ય ભાગમાં આવેલા બાપા સીતારામ ચોક સુધી પહોંચી એક રેઢિયાળ બળદનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય સાથે આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે સિંહોએ કલાકો સુધી રસ્તા પર જ શિકારની મિજબાની માણી હતી જેના કારણે માર્ગો પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ પોતાના ઘરની ગેલેરી અને આંગણેથી આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. પેટ ભરીને ભોજન કર્યા બાદ બંને સિંહો નજીકની વાડીમાં આરામ કરવા ચાલ્યા ગયા હતા જ્યાં મોડી રાત સુધી સિંહપ્રેમીઓની ભીડ જામી હતી. આ વિસ્તાર સિંહોનો કાયમી વસવાટ હોવાથી ગ્રામજનો હવે વન વિભાગ પાસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરી રહ્યા છે.










































